
WhatsApp તેના યુઝર્સ માટે સ્માર્ટ ટેક્સ્ટ એક્શન્સ નામનું આ નવું ફીચર રજૂ કરી રહ્યું છે. જેનાથી યુઝર્સ ચેટમાં આવેલા ફોન નંબર, તારીખ, સમય, ઇમેઇલ અને એડ્રેસ સાથે જોડાયેલા કામ સીધા WhatsApp પરથી જ પતાવી શકશે. આ માટે તેમને વારંવાર બીજી કોઈ ઍપ ખોલવાની જરૂર નહીં પડે. આ સુવિધા Android અને iOS બંને પ્લેટફોર્મના યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

શું છે આ નવું ફીચર? WABetaInfo ના રિપોર્ટ અનુસાર, WhatsApp દ્વારા Smart Text Actions ફીચરનું રોલઆઉટ શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં આ સુવિધા Android અને iOS પર ઍપના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરતા પસંદગીના યુઝર્સને મળી રહી છે. કંપની ધીમે-ધીમે આ ફીચર તમામ સામાન્ય યુઝર્સ સુધી પહોંચાડશે.

આ ફીચર દ્વારા WhatsApp ચેટમાં રહેલી મહત્વપૂર્ણ માહિતી આપોઆપ ડિટેક્ટ કરી લેશે. જેમાં ફોન નંબર, તારીખ, સમય, ઇમેઇલ એડ્રેસ અને લોકેશન જેવી બાબતો સામેલ છે. જ્યારે ઍપ આ પ્રકારની કોઈ વિગત ઓળખી લેશે, ત્યારે તે લખાણની નીચે ટપકાંવાળી (ડૉટેડ) લાઈન જોવા મળશે. આ ટેક્સ્ટ પર સિંગલ ટેપ કરવાથી કે દબાવી રાખવાથી એક પૉપ-અપ મેન્યૂ ખૂલશે, જેમાં તે માહિતીને લગતા વિવિધ વિકલ્પો મળશે.

ફોન નંબરથી લઈને તારીખ સુધીના શોર્ટકટ્સ: જો કોઈ ચેટમાં ફોન નંબર આવે છે, તો યુઝર તેને કોપી કરવા, કોન્ટેક્ટ્સમાં સેવ કરવા કે ડાયરેક્ટ કૉલ કરવાનો વિકલ્પ પસંદ કરી શકશે. આવી જ રીતે, ચેટમાં કોઈ તારીખ કે સમયનો ઉલ્લેખ હશે તો યુઝર તેને એક જ ક્લિકમાં પોતાના ફોનના કેલેન્ડરમાં ઉમેરી શકશે અથવા નવી ઇવેન્ટ બનાવી શકશે.

સાથે જ, જો કોઈ વ્યક્તિ WhatsApp પર સરનામું (Address) મોકલે છે, તો તેના પર ક્લિક કરીને સીધું મેપ ઍપમાં લોકેશન ખોલી શકાશે. ઇમેઇલ એડ્રેસ મળવા પર પણ યુઝર પોતાની ડિફૉલ્ટ ઇમેઇલ ઍપ દ્વારા સીધો મેઇલ મોકલી શકશે.

જૂના ફીચર્સને મળશે નવી વ્યવસ્થા: આમાંથી કેટલીક સુવિધાઓ WhatsApp માં પહેલાથી અંશતઃ મોજૂદ હતી, પરંતુ આ નવા ફીચર દ્વારા તે બધી સુવિધાઓ એક જ જગ્યાએ સંગઠિત રીતે વાપરવા મળશે. આ ફીચર ઈનકમિંગ અને આઉટગોઇંગ બંને પ્રકારના મેસેજ પર કામ કરશે. જો યુઝર્સ આ શોર્ટકટ્સનો ઉપયોગ કરવા ન માગતા હોય, તો તેઓ મેસેજ સામાન્ય રીતે વાંચી અને મોકલી શકશે.

WhatsApp આ ફીચર દ્વારા યુઝર્સ પાસેથી ફીડબેક પણ લઈ શકે છે. કોઈ શોર્ટકટ વાપર્યા પછી સ્ક્રીન પર રિવ્યૂનો વિકલ્પ આવી શકે છે, જ્યાં યુઝર જણાવી શકશે કે તે વિકલ્પ ઉપયોગી હતો કે નહીં. કંપની તરફથી હજુ સત્તાવાર વૈશ્વિક લોન્ચિંગની જાહેરાત થઈ નથી, પરંતુ હાલ મર્યાદિત યુઝર્સ માટે તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.