
ચેટિંગ એપ વોટ્સએપ (WhatsApp) ટૂંક સમયમાં સબસ્ક્રિપ્શન આધારિત 'વોટ્સએપ પ્લસ' (WhatsApp Plus) લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ નવા વર્ઝનમાં તમને અનેક પ્રીમિયમ ફીચર્સ જોવા મળશે. સબસ્ક્રિપ્શન લેવા માટે યુઝર્સે પૈસા ચૂકવવા પડશે. જો કે, જે યુઝર્સ પાસે વોટ્સએપનું લેટેસ્ટ iOS વર્ઝન છે, તેઓ અત્યારે આ પ્રીમિયમ સેવાનો લાભ ઉઠાવી રહ્યા છે.

વોટ્સએપ પ્લસ લેનારા યુઝર્સને વોટ્સએપ તરફથી 18 નવા થીમ કલર મળશે, જેનો ઉપયોગ કરીને તેઓ પોતાના વોટ્સએપના થીમ કલર (ઈન્ટરફેસ) નો રંગ બદલી શકશે. પહેલા વોટ્સએપ પર તમને માત્ર લીલા રંગનો થીમ કલર જ મળતો હતો પરંતુ હવે તમે 18 નવા થીમ કલર જેમાં પર્પલ, બ્લુ, યલો અને બીજા અનેક રંગો જોવા મળશે. આમાંથી તમે તમારી પસંદગીનો થીમ કલર સિલેક્ટ કરી શકશો.

નવા વર્ઝનમાં ઘણા નવા ફીચર્સ અને એનિમેટેડ સ્ટીકર્સ જોવા મળશે. આનાથી ચેટિંગ અને સ્ટીકર મોકલવાનો અનુભવ વધુ મજેદાર બની જશે. નવા વર્ઝનમાં એક મોટો ફેરફાર 'પિન ચેટ્સ' (Pin Chats) ની સંખ્યાનો છે, જે 3 થી વધીને 20 થશે. પહેલા સામાન્ય યુઝર્સ માત્ર 3 ચેટ જ પિન કરી શકતા હતા પરંતુ હવે 20 ચેટ સુધી પિન કરી શકાશે. આનાથી મહત્વની ચેટ્સને સરળતાથી સાચવી શકાશે.

યુઝર્સ આ નવા ફીચર્સની કિંમત જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. રિપોર્ટ્સ અનુસાર, યુરોપમાં વોટ્સએપ પ્લસની માસિક કિંમત 2.49 યુરો રાખવામાં આવી છે, જે અંદાજે 280 ભારતીય રૂપિયા જેટલી થાય છે. જો કે, કંપનીએ ભારતમાં તેની કિંમત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

વધુમાં ભારતમાં આ સબસ્ક્રિપ્શન સુવિધા ક્યારથી શરૂ થશે તે અંગે પણ કોઈ વાત કરી નથી. વોટ્સએપ પર નોર્મલ ચેટ અને કોલિંગની સુવિધા ચાલુ રહેશે. પ્રીમિયમ વર્ઝન આવ્યા પછી પણ જૂનું વર્ઝન સામાન્ય યુઝર્સ માટે ચાલુ જ રહેશે.