
માર્કેટ નિષ્ણાતો પણ આ નિર્ણયને મહત્વપૂર્ણ માની રહ્યા છે. શરદ અવસ્થીએ જણાવ્યું કે, આ રાહત ચોક્કસ મોટી છે પરંતુ શેરમાં તેજી ત્યારે જ આવશે, જ્યારે કંપની પોતાના બિઝનેસમાં સુધારો દર્શાવશે. બીજીબાજુ ગૌરાંગ શાહનું માનવું છે કે, આ સમાચાર નિશ્ચિત રીતે સકારાત્મક છે પરંતુ આગળની દિશા સંપૂર્ણપણે Vi ના મેનેજમેન્ટની રણનીતિ પર નિર્ભર રહેશે.

તાજેતરના મહિનાઓમાં વોડાફોન આઈડિયાના શેરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ઑગસ્ટમાં Vi નો શેર ₹6.12 ના 52 સપ્તાહના નીચલા સ્તરે હતો, જ્યાંથી તે માત્ર 4 મહિનામાં બમણાથી વધુ વધીને ₹12.36 પર પહોંચી ગયો છે. છેલ્લા એક મહિનામાં શેર લગભગ 25 ટકા અને 6 મહિનામાં 66 ટકા કરતાં વધુ વધી ચૂક્યો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ લગભગ ₹1.34 લાખ કરોડના આસપાસ છે.

જો કે, 31 ડિસેમ્બરના રોજ બપોરે 2:15 વાગ્યે શેર -10% ની Lower Circuit પર પહોંચ્યો. બપોરે 2:33 વાગ્યે શેર વધુ 15% ઘટીને ₹10.25 ના તળિયે પહોંચ્યો. સરળ શબ્દોમાં કહીએ તો, નોંધપાત્ર ઘટાડા પછી ટ્રેડિંગ બંધ કરવામાં આવ્યું હતું.

નિષ્ણાતો કહે છે કે, વોડાફોન આઈડિયાને સરકાર દ્વારા આપવામાં આવેલી રાહત પહેલી નજરે નોંધપાત્ર લાગી શકે છે પરંતુ બજારના દૃષ્ટિકોણથી તે નિરાશાજનક છે. આ જ કારણ છે કે, શેર દબાણ હેઠળ છે. સરકારે ફક્ત 5 વર્ષના મોરેટોરિયમને મંજૂરી આપી છે. આનો અર્થ એ થયો કે, ચુકવણીની સમયમર્યાદા લંબાવવામાં આવી છે પરંતુ AGR લેણાંમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.

બજારને આશા હતી કે, સરકાર ઓછામાં ઓછું 50 ટકા AGR વેવરનું એલાન કરશે પરંતુ આવું કંઈ થયું નથી. આ કારણે સેન્ટિમેન્ટ નબળું પડી ગયું હતું. હવે AGRની મહત્વની વાત કરીએ તો, પહેલા Vodafone Idea પર AGR બાકી રકમ લગભગ ₹83,400 કરોડ હોવાનું જણાવવામાં આવ્યું હતું. હવે તેને ફ્રીઝ કરીને લગભગ ₹87,000 કરોડના લેવલે અટકાવી દેવામાં આવેલ છે.

આનો અર્થ એ થયો કે, બાકી રકમ ઘટી નથી પરંતુ સમય જતાં થોડી વધી અને લોક થઈ ગઈ છે. ટૂંકમાં રાહત માત્ર એટલી છે કે, કંપનીએ આગામી 5 વર્ષ સુધી કોઈ ચુકવણી કરવી પડશે નહીં પરંતુ કુલ જવાબદારી એ જ રહેશે. આ જ અનિશ્ચિતતાના કારણે માનવામાં આવે છે કે, Vodafone Idea નો શેર હાલ દબાણમાં રહી શકે છે. વધુમાં, જ્યાં સુધી AGR પર સીધી રાહત અથવા બિઝનેસમાં મજબૂત સુધારાના સંકેત નથી મળતા, ત્યાં સુધી સ્ટોકમાં તેજી આવવી મુશ્કેલ છે.

નોંધનીય છે કે, આજે સવારે (31 ડિસેમ્બરના રોજ) જ્યારે શેર ટ્રેડ થઈ રહ્યા હતા, ત્યારે કંપનીનું માર્કેટ કેપ વધીને ₹1,38,677 કરોડ થયું હતું. જો કે, શેર તૂટી પડતાં તેમાં 15% નો ઘટાડો થયો અને માર્કેટ કેપ ઘટીને ₹1,11,160 કરોડ થઈ ગયું. આ સમયગાળા દરમિયાન, આશરે ₹30 હજાર કરોડનું નુકસાન થયું.