
વિમાનની આંતરિક સુવિધાઓની વાત કરીએ તો તેનો ઇન્ટિરિયર શાહી મહેલની જેવુ લાગે છે.

ચામડાનું ફર્નિચર, અખરોટના વેનીયર અને સોનાના ઢોળવાળા કોતરકામથી સુશોભિત આ વિમાનમાં ખાનગી ઓફિસો, બહુવિધ કોન્ફરન્સ રૂમ, આરામ ખંડ, ગેસ્ટ લાઉન્જ, મીની જીમ, વિશાળ ડાઇનિંગ રૂમ અને બાર, ઘણા શાવર તથા મીની મેડિકલ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

સુરક્ષાની દ્રષ્ટિએ આ વિમાન વધુ અદ્યતન માનવામાં આવે છે. વિમાનના સમગ્ર ભાગ પર રડાર જામિંગ અટકાવવા માટે ખાસ કોટિંગ કરવામાં આવ્યું છે. તેમજ તેમાં એન્ટી-એરક્રાફ્ટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ લગાવવામાં આવી છે, જે મિસાઇલ હુમલો પણ નિષ્ફળ બનાવી શકે છે. જોખમની સ્થિતિમાં રશિયન ફાઇટર જેટ્સ આ વિમાનને સુરક્ષા કવચની જેમ ઘેરી લે છે.

ગતિ અને ક્ષમતાની દ્રષ્ટિએ IL-96-300PU લગભગ 900 કિમી પ્રતિ કલાકની ટોચની ગતિ હાંસલ કરી શકે છે. તેમાં 1,50,000 લિટર ફ્યુઅલ ભરવાની ક્ષમતા છે અને તે 13,500 કિમી સુધી નોનસ્ટોપ ઉડી શકે છે. એટલે કે નોનસ્ટૉપ મુસાફરી પણ કોઈ રિફ્યુઅલિંગ વગર શક્ય છે.

અમેરિકન રાષ્ટ્રપતિનું વિમાન એરફોર્સ વન ઘણીવાર Flying Pentagon તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે રાષ્ટ્રપતિ ઘણી વખત ટોચના રક્ષા અને લશ્કરી અધિકારીઓ સાથે મુસાફરી કરે છે. અમેરિકન રાષ્ટ્રપતિ પાસે આવા બે વિમાન હોય છે જેમાં એક હંમેશા બેકઅપ તરીકે તૈયાર રહે છે. હાલના એરફોર્સ વનની કિંમત આશરે ₹8,765 કરોડ છે અને નવું મોડલ તેની કરતાં પાંચ ગણું મોંઘું હોઈ શકે છે. મીડિયા અહેવાલ અનુસાર એરફોર્સ વન બોઇંગ 747-200B પર આધારિત છે અને તેમાં લગભગ 4,000 સ્ક્વેર ફૂટ વિસ્તાર, 102 મુસાફરોની બેઠક ક્ષમતા, સમગ્ર માળ રાષ્ટ્રપતિ સ્યુટ, રાષ્ટ્રપતિ ઓફિસ અને પરિવાર આરામ ખંડ જેવી સુવિધાઓ છે.