
ભારતીય પરંપરામાં રસોઈ બનાવતી વખતે મન શાંત અને સકારાત્મક રાખવાનું મહત્વ આપવામાં આવે છે. કારણ કે રસોડામાં બનતો ખોરાક પરિવારને દિવસભર જરૂરી ઊર્જા આપે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ રસોડાને ઘરના મહત્વપૂર્ણ સ્થળોમાંનું એક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ભાવના અને મનની સ્થિતિ સાથે ભોજન તૈયાર થાય છે, તેની અસર ભોજન કરનાર વ્યક્તિના મન પર પણ પડી શકે છે. તેથી, રસોઈ બનાવતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ રસોઈ સાથે જોડાયેલા કેટલાક સરળ અને મહત્વપૂર્ણ વાસ્તુ નિયમો.

વાસ્તુ માન્યતાઓ મુજબ, રસોઈ બનાવતી વખતે ગુસ્સો, ચીડિયાપણું અને તણાવથી દૂર રહેવું જોઈએ. માનવામાં આવે છે કે મન અશાંત હોય ત્યારે તૈયાર કરેલા ભોજનમાં નકારાત્મકતા આવી શકે છે અને તેની અસર પરિવારના વાતાવરણ પર પણ પડી શકે છે. તેથી, રસોઈ કરતી વખતે મનને શાંત રાખો અને નાની-નાની વાતો પર ઝઘડો કે દલીલ કરવાનું ટાળો.

રસોડામાં ઊંચા અવાજે બોલવું, ઝઘડો કરવો અથવા અપશબ્દો બોલવા યોગ્ય માનવામાં આવતું નથી. રસોઈ બનાવતી વખતે રસોડાનું વાતાવરણ શાંત અને સકારાત્મક રાખવું જોઈએ એવી પરંપરાગત માન્યતા છે. તેથી, જો રસોડામાં કોઈ સાથે વાતચીત કરો તો ધીમે અને પ્રેમથી વાત કરવાનો પ્રયાસ કરો, જેથી ઘરમાં સુખદ વાતાવરણ જળવાઈ રહે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ પાણીને ઊર્જા સાથે જોડાયેલું મહત્વપૂર્ણ તત્વ માનવામાં આવે છે. તેથી, રસોડામાં પીવા કે રસોઈ માટે ઉપયોગમાં લેવાતું પાણી હંમેશા સ્વચ્છ પાત્રમાં રાખવું જોઈએ. પાણીનું વાસણ ગંદું ન રહે અને તેની આસપાસ પણ સ્વચ્છતા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.

આજના વ્યસ્ત જીવનમાં રોજિંદા તણાવથી સંપૂર્ણપણે દૂર રહેવું સરળ નથી. તેથી, રસોઈ શરૂ કરતા પહેલાં થોડો સમય મનને શાંત કરવાનો પ્રયાસ કરો. તમારી શ્રદ્ધા અનુસાર મંત્રજાપ, પ્રાર્થના અથવા મનપસંદ મધુર સ્તોત્ર સાંભળવાથી મનને શાંતિ મળી શકે છે અને સકારાત્મકતા અનુભવાય છે.

રસોઈ બનાવવાની સાથે ભોજન પીરસવાની રીત પણ એટલી જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પ્રેમ અને હસતાં મુખે ભોજન પીરસવાથી પરિવારના સભ્યો વચ્ચેનો સ્નેહ વધુ મજબૂત બની શકે છે. ભોજન માત્ર ભૂખ સંતોષવા માટે જ નથી, પરંતુ પરિવાર સાથે બેસીને સમય પસાર કરવાનો અને સંબંધોમાં પ્રેમ તથા લાગણી વધારવાનો પણ એક સુંદર મોકો છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )