
US Green Card Changes: અમેરિકામાં કાયમી વસવાટ માટે જરૂરી ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર થવાની શક્યતા છે. ખાસ કરીને અમેરિકામાં નોકરી કરતા ભારતીયો અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ત્યાં નોકરી કરીને સ્થાયી થવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ સમાચાર મહત્વના છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ લેબરે રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટેની PERM પ્રક્રિયામાં ફેરફાર કરવા માટે નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા ઇમિગ્રેશન નીતિઓમાં વિવિધ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કાયમી શ્રમ પ્રમાણપત્ર એટલે કે PERM કાર્યક્રમની સમીક્ષા માટેનો પ્રસ્તાવ 14 સપ્ટેમ્બરના રોજ વ્હાઇટ હાઉસના Office of Information and Regulatory Affairs (OIRA)ને મોકલવામાં આવ્યો હતો. હાલ આ પ્રસ્તાવ નિયમનકારી સમીક્ષા હેઠળ છે અને સમીક્ષા પૂર્ણ થયા બાદ તેની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

PERM પ્રક્રિયા શું છે? અમેરિકામાં કોઈ કંપની વિદેશી કામદારને કાયમી નિવાસ માટે સ્પોન્સર કરવા માંગે ત્યારે PERM પ્રક્રિયા મહત્વનું પગલું છે. વર્તમાન વ્યવસ્થા હેઠળ કંપનીએ સામાન્ય રીતે એ સાબિત કરવું પડે છે કે સંબંધિત પદ માટે યોગ્ય અમેરિકન કામદાર ઉપલબ્ધ નથી. સાથે જ, વિદેશી કામદારની ભરતીથી અમેરિકન કામદારોના વેતન અને રોજગારની તકો પર નકારાત્મક અસર ન થાય તેની પણ ખાતરી કરવાની હોય છે.

ડિપાર્ટમેન્ટ ઓફ લેબરના નવા પ્રસ્તાવનો મુખ્ય હેતુ PERM અરજીઓ સ્વીકારવા અને તેની સમીક્ષા કરવાની પ્રક્રિયાને આધુનિક બનાવવાનો છે. શ્રમ વિભાગના જણાવ્યા અનુસાર, ટેક્નોલોજી અને ભરતીની પદ્ધતિઓમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા ફેરફારો થયા છે, પરંતુ PERM સંબંધિત નિયમોમાં 2004 બાદથી નોંધપાત્ર અપડેટ કરવામાં આવ્યા નથી. તેથી ભરતી પ્રક્રિયાના લઘુત્તમ ધોરણો અને સંબંધિત નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી છે.

પ્રસ્તાવમાં ભરતી પ્રક્રિયામાં ભેદભાવ ઘટાડવા, ભરતીની પદ્ધતિઓને વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે બદલવા અને રેકોર્ડ જાળવવાની પ્રક્રિયામાં સુધારો કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, છટણીથી પ્રભાવિત અમેરિકન કામદારો માટે સુરક્ષા વધુ મજબૂત કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રમ વિભાગનો દાવો છે કે નવી વ્યવસ્થા દ્વારા અમેરિકન કામદારોના હિતોનું રક્ષણ જાળવી રાખીને રોજગાર આધારિત ઇમિગ્રેશન પ્રક્રિયાને વધુ અસરકારક બનાવી શકાય છે.

ભારતીય કામદારો પર શું અસર થઈ શકે? PERM પ્રક્રિયા ખાસ કરીને એવા ભારતીયો માટે મહત્વપૂર્ણ છે, જેઓ હાલમાં અમેરિકામાં કામ કરી રહ્યા છે અને તેમની કંપની તેમને કાયમી નિવાસ માટે સ્પોન્સર કરવા માંગે છે. ઘણી કંપનીઓ H-1B વિઝા પર કામ કરતા કર્મચારીઓ માટે રોજગાર આધારિત ગ્રીન કાર્ડની પ્રક્રિયામાં PERM અરજી ફાઇલ કરે છે. તેથી ભરતીની નવી આવશ્યકતાઓ અથવા અરજીઓની સમીક્ષા કરવાની પદ્ધતિમાં ફેરફાર થવાથી આવી પ્રક્રિયા પર અસર પડી શકે છે.

હાલમાં આ માત્ર એક પ્રસ્તાવ છે અને તેને અંતિમ નિયમ તરીકે લાગુ કરવામાં આવ્યો નથી. તેથી ભારતીય કામદારો માટે ગ્રીન કાર્ડ મેળવવું કેટલું મુશ્કેલ કે સરળ બનશે, તે અંગે અત્યારે ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. ખાસ વાત એ છે કે આ ફેરફાર એવા સમયે સામે આવ્યો છે જ્યારે કેટલીક IT કંપનીઓ દ્વારા PERM પ્રક્રિયા સાથે જોડાયેલા સસ્પેન્શન અથવા વિરામ અંગેના અહેવાલો પણ સામે આવ્યા છે. આગળની નિયમનકારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ નવા નિયમોની ચોક્કસ અસર સ્પષ્ટ થશે.