
આ સાથે જ અમિત શાહે વધુમાં કહ્યું હતુ કે આધ્યાત્મિક માર્ગદર્શન હોય કે સેવા, શિક્ષા સ્વાસ્થ્ય અને જરૂરિયાતમંદોની સહાય કરવાની હોય, પૂજ્ય ગુરૂદેવ રાકેશજીના નેતૃત્વ હેઠળ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.’’ આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ આગામી શ્રીમદ્ રાજચંદ્ર અહિંસા સેન્ટરની ઈંટનું પૂજન કર્યું હતું. આ અહિંસા સેન્ટર તમામ જીવો પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ અને કરુણા કેળવવા માટે સમર્પિત સ્થળ બની રહેશે.

ગુરૂદેવ રાકેશજીએ આ પ્રસંગે અમિતભાઈ શાહને આવકારતાં કહ્યું હતું કે “આપ ભારતીય મૂલ્યો, ભાવનાઓ અને સંસ્કૃતિના સરંક્ષણ માટે સતત કાર્યશીલ છો. સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ 2047 માટે આપના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર સમાજ ઉન્નતિના સર્વ આયોજનોમાં ભારત સરકાર સાથે કદમથી કદમ મિલાવી ચાલી રહ્યું છે અને આગળ ચાલવા કટિબદ્ધ છે. આપના પ્રયત્નોથી દેશ ઉન્નત બને અને સાચા અર્થમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય એ જ પરમકૃપાળુદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું.”