
પાટણમાં પટોળા વણાંટની કળાનો સમૃદ્ધ ઇતિહાસ છે. જે સોલંકી વંશના સમયથી 900 વર્ષ પહેલાંનો હોવાનું માનવામાં આવે છે. તેમાં બેવડી ઈક્કત શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તાણાંવાણાંને વણતા પહેલા અગાઉથી નક્કી કરી શૈલી મુજબ કાળજીપૂર્વક રંગવામાં આવે છે. તો તમે પટોળા બનાવતા પરિવારોની પણ મુલાકાત લઈ શકો છો.

રાણીની વાવથી આશરે 40 કિમી દૂર મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇ.સ. 1026-1027 દરમિયાન બંધાવ્યું હતું. જો કે આ મંદિરમાં કોઈ પણ પ્રકારની પૂજા કરવામાં આવતી નથી. આ મંદિરની કોતરણી પણ ખૂબ જ સુંદર કરવામાં આવી છે.