
સુઝલોન એનર્જીના શેરનો ભાવ 12 ઓક્ટોબરે 5 ટકાથી વધુ વધીને ₹39.57 પર બંધ થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં શેરમાં લગભગ 25 થી 28 ટકાનો ઘટાડો નોંધાયો હતો, પરંતુ હવે સુઝલોનના શેરમાં 73 ટકા સુધીની જોરદાર તેજીની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુઝલોન એનર્જીને કવર કરતા 12 વિશ્લેષકોમાંથી 10 વિશ્લેષકોએ આ શેર ખરીદવાની સલાહ આપી છે.

બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે સોમવાર, 12 ઓક્ટોબરે જાહેર કરેલી પોતાની એનાલિસિસ નોટમાં કંપનીના શેર પર 'બાય' રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજે શેર માટે ₹65નો ટાર્ગેટ આપ્યો છે. તેમના મતે વર્તમાન સ્તરેથી શેરમાં આશરે 73 ટકાની તેજી આવી શકે છે. કંપનીનો શેર હાલમાં પોતાના 52 સપ્તાહના નીચલા સ્તરની નજીક ટ્રેડ થઈ રહ્યો છે અને છેલ્લા ત્રણ મહિનામાં તેમાં 31 ટકાનો કડાકો બોલી ચૂક્યો છે. આ ઘટાડા છતાં આગામી સમયમાં કંપનીની કમાણી વધવાની પ્રબળ સંભાવના છે, જેની પાછળ બ્રોકરેજે 5 મોટા કારણો દર્શાવ્યા છે.

શેરના ભાવમાં ઘટાડા બાદ આકર્ષક વેલ્યુએશન: મોતીલાલ ઓસવાલ અનુસાર, છેલ્લા ત્રણ મહિનામાં શેરના ભાવમાં આવેલા ઘટાડા પછી તેનું વેલ્યુએશન અત્યંત આકર્ષક બન્યું છે. સુઝલોન એનર્જીનો શેર નાણાકીય વર્ષ 2028ની અંદાજિત કમાણી (EPS) સામે 17.5 ગણા પર ટ્રેડ થઈ રહ્યો છે, જે તેના ઐતિહાસિક સરેરાશ વેલ્યુએશન 22 ગણા કરતાં અને છેલ્લા એક વર્ષની સરેરાશ કરતાં 20 ટકા ઓછો છે. કંપનીની કમાણી વર્ષના બીજા છ મહિનામાં વધારે રહે છે, જેમાં વાર્ષિક EBITDA નો 60 થી 65 ટકા હિસ્સો આવે છે. નાણાકીય વર્ષ 2027ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં ડિલિવરી વધીને 2.1 GW થવાની ધારણા છે, જે પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 1.2 GW હતી.

5.9 GW ની મજબૂત ઓર્ડર બુક: કંપનીની બીજી મોટી તાકાત તેની ઓર્ડર બુક છે. જૂન ક્વાર્ટરના અંતે કંપની પાસે 5.9 GW ના મજબૂત ઓર્ડર્સ હતા. આ વર્તમાન ઓર્ડર બુક નાણાકીય વર્ષ 2028ના ત્રીજા ક્વાર્ટર સુધીના ડિલિવરી અંદાજને સંપૂર્ણપણે કવર કરે છે. બ્રોકરેજ અનુસાર, નાણાકીય વર્ષ 2026 થી 2028 વચ્ચે કંપનીનો EBITDA વાર્ષિક સરેરાશ 22 ટકાના દરે વધી શકે છે.

ભારતમાં વિન્ડ પાવર ક્ષમતા વધવાની અપેક્ષા: ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ભારતમાં 3 GW વિન્ડ પાવર ક્ષમતા ઉમેરાઈ છે. સામાન્ય રીતે વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં કામગીરી 1.5 ગણી વધુ રહેતી હોય છે. આ ગણતરીએ બીજા અર્ધવાર્ષિક ગાળામાં આશરે 4.5 GW નવી ક્ષમતા ઉમેરાવાની શક્યતા છે, જેનાથી નાણાકીય વર્ષ 2027માં દેશની કુલ નવી ક્ષમતા 7.5 GW થઈ શકે છે.

સાંજના સમયે વીજળીની માંગ વધવાનો ફાયદો: સાંજના સમયે વીજળીની વધતી માંગ વિન્ડ પાવર ક્ષમતા વધારવામાં મદદરૂપ સાબિત થશે. વિન્ડ-સોલાર હાઇબ્રિડ અને FDRE (રાઉન્ડ ધ ક્લોક પાવર સપ્લાય) પ્રોજેક્ટ્સ દ્વારા પવન ઊર્જાના વપરાશને વેગ મળી રહ્યો છે, જે કંપની માટે આર્થિક રીતે મોટો ફાયદો લાવશે.

બિઝનેસ વિસ્તારવા માટેની 3 નવી તકો: સુઝલોન પાસે વૃદ્ધિ માટે ત્રણ મુખ્ય ક્ષેત્રો રહેલા છે: DevCo મોડેલ: આ મોડેલ હેઠળ નાણાકીય વર્ષના પ્રથમ 4 મહિનામાં જ 600 MW થી વધુના ઓર્ડર મળ્યા છે, જે કુલ ઓર્ડરના લગભગ 60 ટકા છે. વિદેશમાં નિકાસ: કંપની યુરોપ, ઓસ્ટ્રેલિયા, લેટિન અમેરિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં બિઝનેસ વિસ્તારી રહી છે, જેમાં ઓસ્ટ્રેલિયા અને યુરોપ મુખ્ય બજારો તરીકે ઉભરી રહ્યા છે. જૂના પ્રોજેક્ટ્સનું રિપાવરિંગ: ભારતમાં જૂના વિન્ડ પ્રોજેક્ટ્સને નવા સાધનોથી અપગ્રેડ કરવાની સંભવિત ક્ષમતા 25 GW જેટલી વિશાળ છે. ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં આ સેગમેન્ટમાંથી મોટા ઓર્ડર મળવાની ધારણા છે.

સરકારી નિયમો, સ્થાનિક ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન અને અગાઉથી જમીનની ખરીદી જેવા પગલાંથી સુઝલોનની કામગીરી અને ઓર્ડર પૂરા કરવાની ક્ષમતામાં વધુ સુધારો થશે.