
જ્યોતિષીય માન્યતાઓ અનુસાર સૂર્યને આત્મવિશ્વાસ, પિતા, સત્તા, નેતૃત્વ, હિંમત અને પરાક્રમનો કારક માનવામાં આવે છે. બીજી તરફ રાહુને રહસ્યમય અને માયાવી ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તેથી સૂર્ય જ્યારે રાહુના નક્ષત્ર સ્વાતિમાં પ્રવેશ કરે છે ત્યારે તેની ઊર્જા પર રાહુનો પ્રભાવ જોવા મળી શકે છે.

જ્યોતિષમાં આ સંયોગને સામાન્ય રીતે પડકારજનક માનવામાં આવે છે, પરંતુ દરેક રાશિ પર તેની અસર એકસરખી રહેતી નથી. કેટલીક રાશિઓ માટે આ સમયગાળો આર્થિક લાભ, કારકિર્દીમાં પ્રગતિ અને નવી તકો લઈને આવી શકે છે. ખાસ કરીને નીચેની ચાર રાશિના જાતકોને સૂર્યના સ્વાતિ નક્ષત્રમાં ગોચરથી સારા પરિણામ મળવાની શક્યતા છે.

કુંભ રાશિના જાતકો માટે સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન અનુકૂળ સાબિત થઈ શકે છે. તમારી નવી વિચારસરણી અને સર્જનાત્મક વિચારો આવક વધારવાની નવી તકો ઊભી કરી શકે છે. બુદ્ધિ અને નિર્ણયશક્તિમાં પણ વધારો અનુભવાઈ શકે છે. આ સમય દરમિયાન કોઈ મનપસંદ સ્થળની યાત્રા કરવાનો મોકો મળી શકે છે. કામકાજમાં નવી સિદ્ધિ હાંસલ કરવાની સંભાવના છે અને મહેનતનું સારું પરિણામ મળી શકે છે. પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે.ધાર્મિક અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ પણ તમારો ઝુકાવ વધી શકે છે. આત્મવિશ્વાસ મજબૂત બનશે અને તમારી અંદર હિંમત તથા નવી ઊર્જાનો સંચાર અનુભવાઈ શકે છે.

મિથુન રાશિના જાતકો માટે સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન આત્મવિશ્વાસ વધારનારું બની શકે છે. તમારી કાર્યક્ષમતા અને નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો જોવા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ કરવાની કાબેલિયતની પ્રશંસા થઈ શકે છે. ભાઈ-બહેનો તરફથી સહયોગ મળવાની શક્યતા છે અને મુસાફરી પણ લાભદાયક રહી શકે છે. આ દરમિયાન આવક વધારવાની નવી તકો મળી શકે છે. અચાનક કોઈ સારા સમાચાર મળી શકે છે. પિતાના સહયોગથી કારકિર્દીમાં આગળ વધવાનો માર્ગ સરળ બની શકે છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પણ સમય અનુકૂળ રહી શકે છે અને નોકરી શોધી રહેલા લોકોને સારી તક મળી શકે છે.

તુલા રાશિના જાતકો માટે સ્વાતિ નક્ષત્રમાં સૂર્યનું ગોચર સકારાત્મક પરિણામ આપી શકે છે. આ સમય દરમિયાન અટકેલા કામોને ગતિ મળવાની સંભાવના છે અને ભાગ્યનો સાથ પણ મળી શકે છે. આર્થિક દૃષ્ટિએ સમય લાભદાયક બની શકે છે. આવકના નવા રસ્તા ખુલી શકે છે અને અગાઉના સ્ત્રોતોમાંથી પણ નાણાકીય લાભ મળવાની શક્યતા છે. નોકરી કરતા લોકોને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળી શકે છે. પ્રમોશન અથવા જવાબદારીમાં વધારો થવાના સંકેતો પણ મળી શકે છે. વેપારીઓ માટે નવા કરાર, નવી ડીલ અથવા વ્યવસાયના વિસ્તરણની તક ઊભી થઈ શકે છે. યોગ્ય નિર્ણય લેવાથી આ સમયગાળાનો સારો લાભ મેળવી શકાય છે.

વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્યનું સ્વાતિ નક્ષત્રમાં ગોચર કારકિર્દીની દૃષ્ટિએ મહત્વપૂર્ણ બની શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિના નવા રસ્તા ખુલવાની શક્યતા છે અને લાંબા સમયથી અધૂરાં રહેલા કામ પૂર્ણ કરવામાં સફળતા મળી શકે છે.આ સમય દરમિયાન સમાજમાં માન-સન્માન વધે તેવી શક્યતા છે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા કામોમાં પણ સહયોગ મળી શકે છે. આર્થિક રીતે અચાનક લાભ થવાના યોગ બની શકે છે. સાથે જ કોઈ મહત્વપૂર્ણ અથવા સારા સમાચાર મળવાથી ખુશીનો અનુભવ થઈ શકે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )