
દીકરીના ભવિષ્યનું સુરક્ષિત કવચ: દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમની દીકરીનું ઉચ્ચ શિક્ષણ અને લગ્ન ધામધૂમથી થાય. આ સપનું પૂરું કરવા માટે ભારત સરકારની 'સુકન્યા સમૃદ્ધિ યોજના' (SSY) સૌથી લોકપ્રિય અને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. પોસ્ટ ઓફિસ કે બેંકમાં ખાતું ખોલાવીને તમે અત્યારથી જ તેની સુરક્ષિત આવતીકાલનો પાયો નાખી શકો છો.

આકર્ષક વ્યાજ અને ટેક્સમાં પણ છૂટ: હાલમાં આ યોજના પર વાર્ષિક 8.2% ચક્રવૃદ્ધિ વ્યાજ મળી રહ્યું છે, જે અન્ય ઘણી નાની બચત યોજનાઓ કરતા વધારે છે. એટલું જ નહીં, આ યોજનામાં કરેલું રોકાણ ઇનકમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ ટેક્સ ફ્રી છે. એટલે કે, તમારી બચત પણ વધશે અને ટેક્સની પણ બચત થશે.

કોણ અને કેવી રીતે ખોલાવી શકે ખાતું?: દીકરીના જન્મથી લઈને તે 10 વર્ષની થાય તે પહેલા ગમે ત્યારે આ ખાતું ખોલાવી શકાય છે. એક પરિવારમાં મહત્તમ બે દીકરીઓ માટે આ સુવિધા મળે છે (જો જોડિયા દીકરીઓ હોય તો ત્રણ સુધી છૂટ મળે છે). તમે વર્ષમાં ઓછામાં ઓછા ₹250 અને મહત્તમ ₹1,50,000 સુધીનું રોકાણ કરી શકો છો.

રોકાણનો સમયગાળો અને મેચ્યોરિટી: આ યોજનામાં ખાતું ખોલાવ્યા પછી તમારે 15 વર્ષ સુધી રોકાણ કરવાનું રહે છે. ત્યારપછીના 6 વર્ષ સુધી તમારે કોઈ પૈસા જમા કરાવવાના નથી, પણ તેના પર વ્યાજ મળતું રહે છે. ખાતું 21 વર્ષ પૂરા થવા પર અથવા દીકરીના લગ્ન સમયે મેચ્યોર થાય છે. 18 વર્ષ પછી ભણતર માટે 50% રકમ ઉપાડી શકાય છે.

₹70 લાખનું ફંડ કેવી રીતે બનશે? (જુઓ કેલ્ક્યુલેટર): જો તમે દીકરીની 1 વર્ષની ઉંમરે ખાતું ખોલાવો અને દર વર્ષે ₹1,50,000 જમા કરો, તો તમારું કુલ રોકાણ ₹22.50 લાખ થશે. પરંતુ 21 વર્ષની મેચ્યોરિટી પર વ્યાજ સાથે તમને અંદાજે ₹69,27,578 (લગભગ 70 લાખ) મળશે. જેમાં ફક્ત વ્યાજની જ આવક ₹46,77,578 જેટલી હશે!

આજે જ કરો શરૂઆત: દીકરી જેટલી નાની ઉંમરની હશે, એટલો જ વધુ ફાયદો વ્યાજમાં મળશે. તેથી, મોડું કર્યા વગર નજીકની પોસ્ટ ઓફિસ કે બેંકમાં જઈને સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવો. આ માત્ર બચત નથી, પણ તમારી દીકરીના આત્મનિર્ભર બનવા તરફનું એક મજબૂત ડગલું છે.
Published On - 8:44 pm, Mon, 16 March 26