
સાયકલનો વ્યવસાય શરૂ કરવા માટે અંદાજિત ₹1,00,000 કે તેથી વધુનું રોકાણ કરવું પડશે. દુકાનનું ભાડું ₹5,000 થી ₹15,000 સુધીનું હોઈ શકે છે. રીપેરીંગના સાધનોનો ખર્ચ લગભગ ₹10,000 થશે. વધુમાં તાળાઓ, ઘંટડીઓ અને હેલ્મેટ જેવી એસેસરીઝની કિંમત લગભગ ₹10,000 થશે. જો તમે કોઈ કર્મચારીને નોકરી પર રાખો છો, તો પગાર દર મહિને ₹10,000 થી ₹12,000 સુધીનો હોઈ શકે છે.

બીજું કે, વીજળી અને સમારકામનો ખર્ચ ₹2,000 થી ₹5,000 સુધીનો હોઈ શકે છે. પ્રમોશનનો ખર્ચ ₹1,000 થી ₹3,000 અને બિઝનેસને લગતો બીજો કોઈ સામાન્ય ખર્ચ લગભગ ₹2,000 સુધીનો હોઈ શકે છે. આ બિઝનેસમાં તમે પંચર રીપેર, ચેઇનને ટાઇટ કરવી અથવા તો બદલવી, બ્રેક અને ગિયરમાં બદલાવ કરવો, હેન્ડલ્સ-સીટ એડજસ્ટમેન્ટ, ટાયર-ટ્યુબ બદલવા અને પેડલ અથવા બેલ (ઘંટી) બદલવાનો સમાવેશ થાય છે.

આ માટે પંચર કીટ, એર પંપ, સ્ક્રુ-ડ્રાઈવર સેટ, ચેઇન ટૂલ, મલ્ટી-સ્પેનર, વાઇપ્સ અને ક્લીનર જેવા સાધનોની જરૂર પડે છે. બિઝનેસને વેગ આપવા માટે તમે હેલ્મેટ, તાળાઓ અને સાયકલ લાઇટ જેવી વિવિધ એસેસરીઝ પણ વેચી શકો છો.

સાયકલ રીપેરના આ બિઝનેસમાં આશરે ₹10,000 થી ₹20,000 ની માસિક આવક થઈ શકે છે. વધુમાં ઘંટડી, ટાયર, હેન્ડલ અને કવર જેવી સાયકલ એસેસરીઝ વેચવાથી દર મહિને ₹5,000 થી ₹15,000 ની આવક થઈ શકે છે. ગ્રાહકો વારંવાર આ નાની વસ્તુઓ ખરીદે છે, જે તમારા વ્યવસાયને વધુ મજબૂત બનાવે છે.

સાયકલ વ્યવસાયનું માર્કેટિંગ કરવા માટે પહેલા તમારા લોકલ વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે દુકાનો, શાળાઓ અને કોલેજોની આસપાસ મોટા બેનરો અને બિલબોર્ડ લગાવી શકો છો. બીજું કે, ફેસબુક પેજ બનાવો અને ત્યાં તમારી સાયકલ અને ઓફર્સના ફોટા શેર કરો.