Paris 2024: ઓલિમ્પિક પહેલા ભારતીય ટેનિસ સ્ટાર માટે આવ્યા સારા સમાચાર, કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી
ઓલિમ્પિક પહેલા ભારતીય ટેનિસ સ્ટાર સુમિત નાગલ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુમિત નાગલે લેટેસ્ટ ATP રેન્કિંગમાં 68મો ક્રમાંક હાંસલ કરી કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી છે. 26 વર્ષીય નાગલને ATP રેન્કિંગમાં પાંચ સ્થાનનો ફાયદો થયો છે. ઓલિમ્પિક પહેલા સુમિત નાગલની રેન્કિંગમાં મોટી છલાંગ ભારતના ઓલિમ્પિક અભિયાન માટે ખૂબ જ સારા સમાચાર છે.
1 / 6
ભારતના સુમિત નાગલે પુરુષોની સિંગલ્સ કેટેગરીમાં ટેનિસમાં વિશ્વમાં નંબર 68નું કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કર્યું છે. 26 વર્ષીય ભારતીય ટેનિસ ખેલાડી સોમવારે જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ ATP રેન્કિંગમાં પાંચ સ્થાન ઉપર ઉપર પહોંચ્યો હતો.
2 / 6
સુમિત નાગલ ભૂતપૂર્વ વિશ્વ નંબર 71 શશી મેનનને પાછળ છોડીને 1973 પછી ચોથો સૌથી વધુ રેન્કિંગ મેળવનાર ભારતીય ખેલાડી બન્યો છે. માત્ર વિજય અમૃતરાજ (1980માં 18મા ક્રમે), રમેશ ક્રિષ્નન (1985માં 23મા ક્રમે) અને સોમદેવ દેવવર્મન (2011માં 62મા ક્રમે) ATP મેન્સ સિંગલ્સ રેન્કિંગમાં સુમિત નાગલ કરતા ઉપરના સ્થાને છે.
3 / 6
જાન્યુઆરી 2024માં 138મા ક્રમે રહેલા નાગલે આ વર્ષે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. તેણે ફેબ્રુઆરીમાં ચેન્નાઈ ઓપન અને ATP ચેલેન્જર ઈવેન્ટ જીતી કારકિર્દીમાં પ્રથમ વખત ટોચના 100માં સ્થાન મેળવ્યું હતું. જર્મનીમાં તેના બીજા ATP ચેલેન્જર ટાઈટલ પછી નાગલ જૂનમાં રેન્કિંગમાં 77માં ક્રમે પહોંચી ગયો હતો.
4 / 6
સુમિત નાગલે 2024માં ત્રણ ગ્રાન્ડ સ્લેમ - ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડનમાં મુખ્ય ડ્રો માં ક્વોલિફાય કર્યું હતું. તેણે ઓસ્ટ્રેલિયન ઓપનમાં 31મા ક્રમાંકિત એલેક્ઝાન્ડર બુબ્લિકને સીધા સેટમાં હરાવ્યો હતો. 35 વર્ષમાં ગ્રાન્ડ સ્લેમમાં ક્રમાંકિત ખેલાડીને હરાવનાર નાગલ પ્રથમ ભારતીય પુરૂષ ખેલાડી બન્યો હતો.
5 / 6
નાગલ રોલેન્ડ ગેરોસ અને વિમ્બલ્ડનમાં પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગયો હતો. જોકે છેલ્લા પાંચ વર્ષમાં વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સની મુખ્ય ડ્રો મેચ રમનાર નાગલ પ્રથમ ભારતીય ખેલાડી હતો. નાગલને વર્ષ 2024ના પહેલા છ મહિનામાં સતત સારા પ્રદર્શનનું ઈનામ મળ્યું છે અને તેણે પુરુષોની સિંગલ્સ ઈવેન્ટ માટે પેરિસ 2024 ઓલિમ્પિક્સનો ક્વોટા મેળવ્યો હતો.
6 / 6
સુમિત નાગલ ટોક્યો 2020 પછી તેની બીજી ઓલિમ્પિક રમતમાં ભાગ લેશે. તે ઓલિમ્પિકમાં પુરૂષ સિંગલ્સ ટેનિસમાં રમનાર લિએન્ડર પેસ બાદ માત્ર બીજો ભારતીય ખેલાડી બનશે. ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા લિએન્ડર પેસે 1992 અને 2000 ની વચ્ચે સતત ત્રણ વખત ઓલિમ્પિકમાં પુરુષોની સિંગલ્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
Published On - 7:29 pm, Tue, 16 July 24