
ભારતીય મહિલા હોકી ટીમની ઐતિહાસિક સફળતાને હોકી ઇન્ડિયાએ ખાસ રીતે સન્માનિત કરી છે. ટીમે એશિયન ગેમ્સની ફાઇનલમાં ચીનને 1-0થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.

આ જીત સાથે ભારતીય મહિલા ટીમે 44 વર્ષ બાદ એશિયન ગેમ્સમાં ફરી ગોલ્ડ મેડલ જીત્યો છે. છેલ્લે 1982માં નવી દિલ્હીમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે મહિલા હોકીમાં ગોલ્ડ જીત્યો હતો.

હોકી ઇન્ડિયાએ ટીમના દરેક ખેલાડી માટે ₹11 લાખની ઇનામી રકમની જાહેરાત કરી છે. ખેલાડીઓની મહેનત, સમર્પણ અને શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આ પુરસ્કાર આપવામાં આવશે.

માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ ટીમના સપોર્ટ સ્ટાફને પણ આ સફળતાનો હિસ્સો માનવામાં આવ્યો છે. સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને ₹5.5 લાખનું ઇનામ આપવામાં આવશે.


એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે ભારતીય મહિલા હોકી ટીમે 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક માટે સીધું ક્વોલિફિકેશન પણ મેળવી લીધું છે.

ભારતીય ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં ચીન સામેની મેચમાં એકમાત્ર ગોલ પૂરતો સાબિત થયો અને ભારતીય ખેલાડીઓએ મજબૂત ડિફેન્સ સાથે લીડ જાળવી રાખી.

ભારતીય મહિલા હોકી ટીમની આ ઐતિહાસિક જીતને દેશના રમતગમતના મહત્વના પળોમાંની એક તરીકે જોવામાં આવી રહી છે. હોકી ઇન્ડિયાના ઇનામથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના ઉત્સાહમાં વધુ વધારો થશે. (PC:X/Hockey India)
Published On - 9:12 pm, Fri, 2 October 26