
25,000 રૂપિયાથી ઓછી કિંમતનો સ્માર્ટફોન ખરીદવા ઈચ્છતા લોકો માટે એક ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. ગ્રાન્ટ થોર્ન્ટન ભારત અને પોલિસી વોચ ઇન્ડિયા ફાઉન્ડેશન (GT Bharat-PWIF) ના એક નવા સંયુક્ત રિપોર્ટમાં સરકારને સ્માર્ટફોન પરનો જીએસટી (GST) 18 ટકાથી ઘટાડીને સીધો 5 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે.

અહેવાલમાં તર્ક આપવામાં આવ્યો છે કે આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન કોઈ મોજશોખની વસ્તુ (લક્ઝરી) નથી, પરંતુ શિક્ષણ, બેંકિંગ અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટેની પ્રાથમિક જરૂરિયાત બની ગયો છે. જો સરકાર આ ભલામણ સ્વીકારી લેશે તો કરોડો મધ્યમવર્ગીય ગ્રાહકોને સીધો ફાયદો થશે.

ટેક્સ ઘટાડવો કેમ જરૂરી છે? રિપોર્ટના આંકડા દર્શાવે છે કે ભારતમાં વેચાતા કુલ સ્માર્ટફોનમાંથી આશરે બે-તૃતીયાંશ (બે ભાગના) ફોન 25,000 રૂપિયાથી ઓછી કિંમતના હોય છે. આ સેગમેન્ટના મુખ્ય ગ્રાહકો ગ્રામીણ વિસ્તારોના લોકો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને ઓછી આવક ધરાવતો વર્ગ છે. આ સિવાય દેશમાં હજુ પણ આશરે 35 કરોડ લોકો સાદા ફીચર ફોન (કીપેડવાળા ફોન) વાપરે છે. મોંઘવારીના કારણે આ લોકો સ્માર્ટફોન ખરીદી શકતા નથી. જો ટેક્સ ઘટીને 5 ટકા થઈ જશે, તો સામાન્ય લોકો માટે નવો ફોન ખરીદવો સરળ બનશે અને દેશના ડિજિટલ વિકાસને નવી ગતિ મળશે.

પડોશી દેશોની સરખામણીએ ભારતમાં વધુ ટેક્સ: રિપોર્ટમાં જણાવાયું છે કે વિયેતનામ, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા પડોશી દેશોમાં સ્માર્ટફોન પર ખૂબ જ ઓછો ટેક્સ વસૂલવામાં આવે છે. તેના કારણે ત્યાંના નાગરિકો સરળતાથી ફોન ખરીદી શકે છે અને ત્યાંની લોકલ મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન) ઇન્ડસ્ટ્રી પણ મજબૂત બને છે. તેની સરખામણીએ ભારતમાં સ્માર્ટફોન પર સૌથી વધુ ટેક્સ લેવાય છે, જે ડિજિટલ ઇન્ડિયાના ગ્રોથ માટે અવરોધ સમાન છે.

આ નવો નિયમ લાગુ થવાથી કોને થશે ફાયદો? આ ફોર્મ્યુલા મુજબ, 25,000 રૂપિયાથી મોંઘા અને પ્રીમિયમ સ્માર્ટફોન પર 18 ટકા ટેક્સ યથાવત રાખવાની ભલામણ કરાઈ છે, જેથી મોંઘા ફોનની વેચાણથી સરકારની ટેક્સની આવકને કોઈ મોટું નુકસાન નહીં થાય. બીજી તરફ, સસ્તા ફોન પર ટેક્સ ઘટવાથી સામાન્ય જનતાને સસ્તામાં ફોન મળશે, મોબાઈલ કંપનીઓનું વેચાણ વધશે અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થશે જે આખી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે.