
ઘર ખરીદવું દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ આ સપનાને પૂર્ણ કરવા માટે લેવાયેલો હોમ લોન જો વિચારપૂર્વક ન લેવાય તો તે મોટો આર્થિક બોજ પણ બની શકે છે. ઘણી વખત લોકો ઉતાવળમાં અથવા અધૂરી માહિતી સાથે હોમ લોન લઈ લે છે, જેના કારણે તેમને 20થી 30 વર્ષ સુધી તેનો ભાર સહન કરવો પડે છે. કેટલાક કિસ્સામાં તો લોકો ઘરનાં મૂલ્ય કરતાં વધુ રકમ માત્ર વ્યાજ તરીકે ચૂકવે છે. તેથી હોમ લોન લેતા પહેલાં એવી ભૂલો સમજવી ખૂબ જરૂરી છે જે તમારી ખિસ્સા પર ભારે પડી શકે છે.

ઘણા લોકો માસિક EMI ઓછી રહે તે માટે લાંબા સમયગાળાનો લોન પસંદ કરે છે, જે એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. શરૂઆતમાં EMI ઓછી લાગે છે, પરંતુ લાંબા ગાળામાં વ્યાજનો ભાર ઘણો વધી જાય છે. ઉદાહરણ તરીકે, જો તમે 50 લાખનો લોન 8% વ્યાજ દરે 20 વર્ષ માટે લો, તો કુલ ચુકવણી લગભગ 1 કરોડ થાય છે. પરંતુ એ જ લોન 30 વર્ષ માટે લેશો તો EMI ઘટશે, પરંતુ કુલ ચુકવણી લગભગ 1.32 કરોડ સુધી પહોંચી જાય છે. એટલે કે, ફક્ત ગાળો વધારવાથી લાખો રૂપિયાનું વધારાનું વ્યાજ ચૂકવવું પડે છે. તેથી શક્ય હોય તો 15થી 20 વર્ષમાં લોન પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

હોમ લોન લેતા પહેલાં તમારો ક્રેડિટ સ્કોર ચેક કરવો ખૂબ જરૂરી છે. બેંક તમને કયા વ્યાજ દરે લોન આપશે તે મોટાભાગે તમારા CIBIL સ્કોર પર આધારિત હોય છે. સામાન્ય રીતે 750થી વધુ સ્કોર ધરાવતા લોકોને સસ્તો લોન મળે છે. જો તમારો સ્કોર ઓછો હોય તો તમને વધુ વ્યાજ ચૂકવવું પડી શકે છે. તેથી સમયસર જૂના લોન ચૂકવવા, ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ કરવા અને ડિફોલ્ટથી દૂર રહેવું જરૂરી છે.

હોમ લોન લેતા સમયે ફિક્સ્ડ અને ફ્લોટિંગ વ્યાજ દર વચ્ચેનો ફરક સમજવો ખૂબ જરૂરી છે. ફિક્સ્ડ રેટમાં વ્યાજ દર આખા સમયગાળા દરમિયાન એકસરખો રહે છે, જ્યારે ફ્લોટિંગ રેટ બજાર અને RBIની નીતિઓ પ્રમાણે બદલાતો રહે છે. ઘણા લોકો સ્થિર EMI માટે ફિક્સ્ડ રેટ પસંદ કરે છે, પરંતુ સામાન્ય રીતે ફિક્સ્ડ રેટ ફ્લોટિંગ કરતા વધારે હોય છે. તેથી લાંબા ગાળે ફ્લોટિંગ રેટ વધુ ફાયદાકારક બની શકે છે.

હોમ લોનના શરૂઆતના વર્ષોમાં EMIનો મોટો ભાગ વ્યાજમાં જાય છે. જો તમે વચ્ચે વચ્ચે થોડું વધારાનું પેમેન્ટ (પ્રી-પેમેન્ટ) કરો તો લોનની અવધિ ઘટે છે અને વ્યાજમાં મોટી બચત થાય છે. ઉદાહરણ તરીકે, જો 50 લાખના લોન પર તમે 5 લાખનું પ્રી-પેમેન્ટ કરો તો લોનનો સમયગાળો લગભગ 4 વર્ષ ઓછો થઈ શકે છે અને લાખો રૂપિયાની બચત થાય છે. તેથી આવક વધે અથવા બોનસ મળે ત્યારે તેનો ઉપયોગ લોન ઘટાડવામાં કરવો સમજદારીભર્યો નિર્ણય છે.

ઘણા લોકો ફક્ત વ્યાજ દર અને EMI પર ધ્યાન આપે છે, પરંતુ હોમ લોન સાથે ઘણા અન્ય ખર્ચ પણ જોડાયેલા હોય છે. જેમ કે પ્રોસેસિંગ ફી, લીગલ ચાર્જ, ટેકનિકલ વેલ્યુએશન ફી અને ફોરક્લોઝર ચાર્જિસ. આ ખર્ચો દેખાવમાં નાના લાગે છે, પરંતુ કુલ મળીને મોટી રકમ બની શકે છે. સામાન્ય રીતે પ્રોસેસિંગ ફી લોનની રકમના 0.25%થી 1% સુધી હોય છે. તેથી લોન લેતા પહેલાં તમામ ચાર્જિસની સંપૂર્ણ માહિતી લેવી અને અલગ અલગ બેંકોની તુલના કરવી ખૂબ જરૂરી છે.