
જો તમને સિલાઈની થોડીક સમજ છે, તો બ્લાઉઝ ડિઝાઇનિંગનો કોર્સ કરવો યોગ્ય રહેશે. આવા કોર્સ 3 થી 6 મહિનાના હોય છે અને તેની ફી ₹5,000 થી ₹25,000 જેટલી હોય છે. તમે આ તાલીમ ITI, PMKVY (પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના) કે લોકલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટમાંથી લઈ શકો છો.

સિલાઈ સેન્ટર શરૂ કરવા માટે સિલાઈ મશીન, ઓવરલોક મશીન, ટેબલ-ખુરશી, કાતર, દોરા અને ડિઝાઇનિંગ મટીરિયલ જેવી વસ્તુઓની જરૂર પડે છે. શરૂઆતમાં કુલ રોકાણ ₹35,000 થી ₹60,000 ની આસપાસ થઈ શકે છે. આ બિઝનેસમાં દૈનિક આવક સરેરાશ ₹500 થી ₹2,000 જેટલી થઈ શકે છે, જ્યારે માસિક આવક ₹15,000 થી ₹50,000 અથવા વધુ સુધી પહોંચી શકે છે.

રોકાણ ખર્ચમાં વીજળી, મટીરિયલ અને જો કમાદાર હોય તો તેનો પગાર ઉમેરીને લગભગ ₹5,000 થી ₹10,000 જેટલો ખર્ચ થાય છે. ટૂંકમાં દર મહિને નેટ નફો સરેરાશ ₹10,000 થી ₹40,000 જેટલો થઈ શકે છે.

જો તમે ડિઝાઇનર બ્લાઉઝ, પાર્ટી વેર અથવા કસ્ટમ ઓર્ડર પર ધ્યાન આપો છો, તો એક બ્લાઉઝ ₹800 થી ₹2,000 સુધી વેચી શકાય છે. બાકીના અલ્ટરેશન જેવા કામથી પણ તમે અંદાજિત ₹200 થી ₹500 જેટલું કમાઈ શકો છો.

માર્કેટિંગ માટે Instagram, Facebook અને WhatsApp ગ્રુપનો ઉપયોગ કરી શકો છો. પોતાના ડિઝાઇનના ફોટા અને વીડિયો પોસ્ટ કરીને લોકલ ગ્રાહકો સુધી પહોંચી શકાય છે. એકવાર માર્કેટમાં નામ બની જાય પછી વર્ડ ઓફ માઉથથી જ ગ્રાહકો વધવા લાગે છે.

આ ઉપરાંત, તમે ટ્રેનિંગ ક્લાસીસ લઈને એક્સ્ટ્રા કમાણી કરી શકો છો. તમારું સેન્ટર એક બ્રાન્ડ તરીકે વિકસાવો અને તેને આકર્ષક નામ આપો. યોગ્ય ફિટિંગ, સમયસર ડિલિવરી અને નવા ટ્રેન્ડ્સની સમજ રાખશો, તો આ વ્યવસાય તમને એક સ્થિર આવક અપાવી શકે છે.