
શું તમારા ઘરમાં કોઈએ તમને ક્યારેય એવું કહ્યું છે કે તમે ઊંઘમાં દાંત કચકચાવો છો? ઘણી વખત વ્યક્તિને પોતાને જાણ પણ હોતી નથી કે તે સૂતી વખતે દાંત પીસે છે અથવા જડબાના સ્નાયુઓ પર વધુ દબાણ આવે છે. આ સ્થિતિને બ્રુક્સિઝમ કહેવામાં આવે છે, જે ઊંઘ દરમિયાન તેમજ જાગતા સમયે પણ થઈ શકે છે.

આ સમસ્યા બાળકો અને મોટાઓ બંનેમાં જોવા મળી શકે છે. ક્યારેક હળવું દાંત પીસવું ગંભીર ચિંતાનો વિષય નથી હોતું, પરંતુ જો આ આદત વારંવાર થતી રહે તો દાંત અને જડબાના સ્વાસ્થ્ય પર તેની અસર પડી શકે છે. જડબામાં દુખાવો કે ખેંચાણ, સવારે માથું દુખવું, દાંતમાં ઠંડા-ગરમની સંવેદનશીલતા અને દાંત ઘસાઈ જવા જેવા સંકેતો બ્રુક્સિઝમ તરફ ઈશારો કરી શકે છે.

બ્રુક્સિઝમ થવા પાછળ માત્ર એક જ કારણ જવાબદાર હોતું નથી. માનસિક તણાવ અને ચિંતા આ સમસ્યાને વધારી શકે છે. નસકોરાં આવવા અથવા સ્લીપ એપનિયા જેવી ઊંઘ સંબંધિત તકલીફો ધરાવતા લોકોમાં પણ દાંત પીસવાની સમસ્યા જોવા મળી શકે છે. આ ઉપરાંત, વધારે પ્રમાણમાં કેફીનનું સેવન અને ધૂમ્રપાન પણ કેટલાક લોકોમાં જોખમ વધારી શકે છે. કેટલીક દવાઓની અસરથી પણ બ્રુક્સિઝમ થઈ શકે છે. તેથી, કોઈ દવા પોતાની રીતે બંધ કરવાને બદલે ડૉક્ટરની સલાહ લેવી વધુ યોગ્ય છે.

ઊંઘ દરમિયાન દાંત પીસવાની સમસ્યા ધરાવતા લોકોને ઘણી વખત તેની જાણ હોતી નથી. રાત્રે પરિવારના સભ્યોને દાંત કચકચાવવાનો અવાજ સંભળાઈ શકે છે. સવારે જાગ્યા પછી જડબામાં દુખાવો, સ્નાયુઓમાં થાક, માથું દુખવું અથવા દાંતમાં સંવેદનશીલતા અનુભવાય તો તે બ્રુક્સિઝમના સંકેત હોઈ શકે છે. જો લાંબા સમય સુધી દાંત વધુ પડતા પીસવામાં આવે, તો દાંત ઘસાઈ જવા, તૂટવા કે તેમાં તિરાડ પડવા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

જો કોઈ વ્યક્તિને ઊંઘમાં દાંત કચકચાવવાની આદત હોય, દાંત ઘસાઈ જવા લાગે, દાંતમાં ઠંડા-ગરમની સંવેદનશીલતા રહે અથવા જડબા અને ચહેરામાં દુખાવો થતો હોય, તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ડેન્ટિસ્ટ દાંતની સ્થિતિ તપાસીને દાંત પીસવાથી થયેલી અસરનું મૂલ્યાંકન કરી શકે છે. જરૂર જણાય તો જડબાના સ્નાયુઓની પણ તપાસ કરવામાં આવે છે. જો ઊંઘ સંબંધિત અન્ય સમસ્યાઓની શક્યતા હોય, તો ઊંઘ દરમિયાન થતી તકલીફો જાણવા માટે સ્લીપ ટેસ્ટ કરાવવાની સલાહ પણ મળી શકે છે.

બ્રુક્સિઝમની સારવાર વ્યક્તિની સ્થિતિ અને સમસ્યાની ગંભીરતા પ્રમાણે અલગ હોઈ શકે છે. હળવી સમસ્યા હોય તો દરેક વખતે ખાસ સારવારની જરૂર પડે એવું જરૂરી નથી. નિયમિત અને પૂરતી ઊંઘ લેવી, રોજ ઊંઘવાનો તથા જાગવાનો સમય શક્ય તેટલો નિશ્ચિત રાખવો અને તણાવ ઘટાડવાના પ્રયાસો કરવાથી ફાયદો થઈ શકે છે.

દાંતને વધુ નુકસાનથી બચાવવા માટે દંત ચિકિત્સક રાત્રે માઉથગાર્ડનો ઉપયોગ કરવાની સલાહ આપી શકે છે. જો ઊંઘ દરમિયાન વારંવાર દાંત પીસવાની સમસ્યા થતી હોય, તો તેને સામાન્ય આદત માનીને અવગણવી નહીં. ખાસ કરીને દાંતમાં દુખાવો, સંવેદનશીલતા, ઘસારો અથવા જડબામાં સતત તકલીફ રહેતી હોય, તો યોગ્ય તપાસ માટે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ( Disclaimer: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. )