
જ્યારે પણ લાંબા ગાળાના રોકાણની વાત આવે છે, ત્યારે લોકો હંમેશા બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ કે સૌથી વધુ વળતર આપતી સ્કીમ શોધવામાં સમય બગાડે છે. પરંતુ શું તમે જાણો છો કે રોકાણમાં સૌથી શક્તિશાળી હથિયાર કયું છે? તે રકમ નથી, પણ 'સમય' છે. SIP જેવા સાદા રોકાણમાં પણ માત્ર 5 વર્ષની મોડાઈ તમારા નસીબના કરોડો રૂપિયા છીનવી શકે છે. નવાઈની વાત એ છે કે શરૂઆતમાં આ તફાવત દેખાતો નથી, અને આ જ સૌથી મોટી જાળ છે.

6 લાખનું રોકાણ અને 3 કરોડનું અંતર!: આને સમજવા માટે બે મિત્રો 'A' અને 'B' નું ઉદાહરણ લઈએ. બંને દર મહિને ₹10,000 ની SIP કરે છે અને 12% વળતર માની લઈએ. મિત્ર A: 25 વર્ષની ઉંમરે રોકાણ શરૂ કરે છે. 60 વર્ષની ઉંમરે તેની પાસે ₹6.4 કરોડ હશે. મિત્ર B: માત્ર 5 વર્ષ મોડો એટલે કે 30 વર્ષની ઉંમરે શરૂ કરે છે. તેની પાસે ₹3.5 કરોડ હશે. જરા વિચારો, મિત્ર B એ મિત્ર A કરતા માત્ર ₹6 લાખ ઓછું રોકાણ કર્યું, પણ વળતરમાં ₹3 કરોડ જેટલો મોટો ખાડો પડી ગયો! આ જાદુ છે 'કમ્પાઉન્ડિંગ' નો, જેની તાકાત છેલ્લા વર્ષોમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે.

ખરો ખેલ છેલ્લા વર્ષોમાં છુપાયેલો છે: કમ્પાઉન્ડિંગ સીધી રેખામાં નથી વધતું, પણ સમય જતાં તેની ગતિ રોકેટ જેવી થઈ જાય છે. શરૂઆતના 10-15 વર્ષમાં બંનેના પોર્ટફોલિયો સરખા જ લાગે છે, પણ છેલ્લા 5-10 વર્ષમાં તમારો જૂનો પૈસો તમારી નવી SIP કરતા પણ વધુ તેઝીથી વધવા લાગે છે. મોડા શરૂ કરવાનો અર્થ એ છે કે તમે કમ્પાઉન્ડિંગના સૌથી પાવરફુલ વર્ષો ગુમાવી દીધા છે.

મોંઘવારીનો માર અને 'સ્ટેપ-અપ' નો જાદુ: આજે કરોડોની રકમ મોટી લાગે છે, પણ 30 વર્ષ પછી તેની કિંમત મોંઘવારીને કારણે ઘટી જશે. જો તમે દર વર્ષે તમારી SIP માં માત્ર 10% નો વધારો (Step-up SIP) કરો છો, તો તમે મોંઘવારીને પછાડીને ઘણું મોટું ફંડ બનાવી શકો છો. તમારી આવક વધે તેમ રોકાણ પણ વધારવું એ જ સમજદારી છે.

નિષ્કર્ષ એ જ છે કે રોકાણમાં 'ટાઈમિંગ' થી વધુ મહત્વનું 'માર્કેટમાં રહેલો સમય' છે. જેટલી વહેલી શરૂઆત, એટલા જ વધુ તમે તમારા ભવિષ્યને સુરક્ષિત બનાવી શકશો.