
તાજેતરના સમયમાં શેરબજારમાં નોંધપાત્ર ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બજાર ક્યારે તેજી પકડશે અથવા ક્યારે સેન્સેક્સ હજારો પોઈન્ટ ઘટી જશે, તેની આગાહી કરવી મુશ્કેલ બની ગઈ છે. આવા સંજોગોમાં ઘણા રોકાણકારોના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે શું SIP રોકવી જોઈએ? મીડિયા અહેવાલ મુજબ, કેટલાક રોકાણકારોએ SIP યોગદાન ઘટાડ્યું અથવા થોભાવ્યું છે, જ્યારે મોટી સંખ્યામાં રોકાણકારો સતત રોકાણ ચાલુ રાખે છે. આ દર્શાવે છે કે લાંબા ગાળાના રોકાણકારો ટૂંકા ગાળાના ઉતાર-ચઢાવથી વધારે પ્રભાવિત થતા નથી.

બજારમાં ઘટાડો થાય ત્યારે ચિંતા થવી સ્વાભાવિક છે, ખાસ કરીને જ્યારે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અથવા તણાવ હોય. તેમ છતાં, નિષ્ણાતો ચેતવણી આપે છે કે આવા સમયમાં ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે.

વેસ્ટેડ ફાઇનાન્સના સહ-સ્થાપક અને CEO વિરમ શાહના જણાવ્યા અનુસાર, માત્ર બજારની અસ્થિરતા જોતા SIP ઘટાડવી અથવા બંધ કરવી યોગ્ય વ્યૂહરચના નથી. SIPનો મૂળ હેતુ નિયમિત રોકાણ દ્વારા “રૂપીયા ખર્ચ સરેરાશ” (Rupee Cost Averaging)નો લાભ મેળવવાનો છે. જ્યારે બજાર નીચે હોય ત્યારે વધુ યુનિટ્સ મળે છે અને જ્યારે બજાર ઉપર હોય ત્યારે ઓછા યુનિટ્સ મળે છે. SIP બંધ કરવાથી આ મહત્વપૂર્ણ લાભ ગુમાવી શકાય છે.

VSRK કેપિટલના ડિરેક્ટર સ્વપ્નિલ અગ્રવાલ જણાવે છે કે બજારની અસ્થિરતા દરમિયાન SIP સૌથી અસરકારક સાબિત થાય છે. ડરના કારણે SIP બંધ કરવાથી રોકાણકારો ઓછી કિંમતે વધુ યુનિટ્સ ખરીદવાની તક ગુમાવી દે છે. હકીકતમાં, બજારનો ઘટાડો ભવિષ્યના નફા માટે એક મજબૂત પાયો બની શકે છે.

નિષ્ણાતોના મતે, બજાર હંમેશા ચક્રમાં ચાલે છે. ક્યારેક વધે છે અને ક્યારેક ઘટે છે. પરંતુ જે રોકાણકારો શિસ્ત અને ધીરજ સાથે સતત રોકાણ કરે છે, તેઓ લાંબા ગાળે સારા વળતર મેળવે છે. SIPમાં સફળતા માટે ધીરજ અને નિયમિતતા સૌથી મહત્વપૂર્ણ છે. ટૂંકા ગાળાના ઉતાર-ચઢાવ કરતાં તમારા નાણાકીય લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ યોગ્ય છે.

રોકાણકારોએ બજારની દરેક હલચલ પર તરત પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ. તમારી નાણાકીય પરિસ્થિતિ અને લક્ષ્યોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવો જોઈએ. શક્ય હોય તો નાણાકીય સલાહકારની સલાહ લો. જો તમારી ક્ષમતા હોય, તો બજારમાં મંદી દરમિયાન SIP યોગદાનમાં વધારો કરવો પણ ફાયદાકારક બની શકે છે. પરંતુ આ નિર્ણય સમજદારીપૂર્વક લેવો જરૂરી છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)
Published On - 10:04 pm, Fri, 20 March 26