
ચાંદીના ભાવની સીધી અસર ભારતીય બજાર પર પણ પડી હતી. ચાંદી ₹1,70,415 ના રેકોર્ડ હાઇ લેવલથી ઘટીને ₹1,53,700 થઈ ગઈ, જે લગભગ ₹16,700 નો ઘટાડો દર્શાવે છે. જો કે, દિવસમાં થોડી રિકવરી આવતા ચાંદી ₹1,57,300 પર પહોંચી ગઈ. હાલમાં ભાવ ઓલ ટાઈમ હાઇથી લગભગ 10% નીચે છે.

બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે જણાવ્યું છે કે, આ ઘટાડો ફક્ત ટૂંકા ગાળાના નફા-બુકિંગનું પરિણામ છે. તેઓ માને છે કે, ચાંદી બજાર હાલમાં સ્ટ્રકચરલ રિવેલ્યુએશનના તબક્કામાં છે, જે તેને અગાઉની રેલીઓ (વર્ષ 1980 અને વર્ષ 2011) થી અલગ પાડે છે.

અહેવાલમાં જણાવાયું છે કે, ચાંદીની વોલેટિલિટી સોના કરતા આશરે 1.7 ગણી છે. ઇલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ્સ, મેડિકલ ડિવાઇસ અને બેટરી મેન્યૂફેક્ચરિંગમાં ચાંદીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલ શોર્ટ ટર્મમાં ₹1,53,000-₹1,55,000 ના સ્તરને ચાંદી માટે મુખ્ય સપોર્ટ ઝોન માનવામાં આવે છે. જો અહીંથી રિકવરી થાય છે, તો ₹1,65,000 અને ₹1,70,000 સુધી ફરી ઉછાળો શક્ય છે. જો કે, ગ્લોબલ ટ્રેડ ટેન્શન અને ડોલર ઇન્ડેક્સમાં થતી વધઘટ ચાંદીના ભાવિ માર્ગને નક્કી કરશે.