
ચાંદીના ભાવ અત્યારે આસમાને પહોંચી રહ્યા છે. MCX પર ચાંદીનો ભાવ ₹3.75 લાખ પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સિલ્વર $110 પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ કરી રહી છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં ચાંદીમાં 40-50% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.

આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં સવાલ છે કે, શું 1980ના દાયકા જેવો 'સિલ્વર ક્રેશ' ફરીથી થવાનો છે? એક સમય હતો કે, જ્યારે કિંમતો રાતોરાત અડધાથી પણ ઓછી થઈ ગઈ હતી. એવામાં શું આવું ફરી બની શકે છે કે નહીં?

વર્ષ 1979-1980માં હન્ટ બ્રધર્સે (અમેરિકન અબજોપતિ ભાઈઓ) ચાંદી પર ખૂબ જ મોટો દાવ લગાવ્યો હતો. તેમણે ફિઝિકલ સિલ્વર અને ફ્યુચર્સમાં એટલી મોટી પોઝિશન બનાવી હતી કે, વૈશ્વિક સપ્લાયનો 50-60% હિસ્સો તેમના નિયંત્રણમાં આવી ગયો હતો, જેના પરિણામે ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો હતો અને કિંમતો 50 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગઈ હતી. જો કે, ત્યારબાદ અમેરિકન રેગ્યુલેટર્સે કડક નિયમો લાગુ કર્યા, માર્જિનમાં વધારો કર્યો અને ટ્રેડિંગ પર નિયંત્રણો લાદ્યા હતા.

બસ આના પરિણામે 27 માર્ચ 1980ના દિવસને 'સિલ્વર થર્સ-ડે' (Silver Thursday) તરીકે ઓળખવામાં આવ્યો. તે દિવસે હન્ટ બ્રધર્સની પોઝિશન માર્જિન કોલને કારણે ક્રેશ થઈ ગઈ અને ચાંદીના ભાવ એક જ દિવસમાં $50 થી ઘટીને $10.80 સુધી નીચે આવી ગયા હતા. સરળ શબ્દોમાં કહીએ તો, સીધો 78% નો કડાકો આવી ગયો હતો. આ ઘટના બાદ હન્ટ બ્રધર્સ દેવાળિયા થઈ ગયા અને ચાંદીના ભાવ ઘણા વર્ષો સુધી $5-10 ની વચ્ચે જ રહ્યા.

આ વર્ષે પણ ચાંદીના ભાવ ખૂબ ઊંચા છે, જે ₹3.75 લાખ/કિલો અને $110/ઔંસ સુધી પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે, ચાંદીમાં આટલી ઝડપી તેજી જ તેના ઘટાડાનું કારણ બની શકે છે. જો કે, આ વર્ષે 1980ની જેમ કોઈ એક કંપની કે ગ્રુપની મોનોપોલી જોવા મળી રહી નથી.

આજનું ચાંદીનું બજાર વર્ષ 1980ની સરખામણીમાં ઘણું અલગ છે. સૌથી મોટો તફાવત એ છે કે, હવે ચાંદીની માંગ રોકાણ માટે નથી રહી. સોલર પેનલ, ઇલેક્ટ્રિક વાહન (EV), ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર, તથા મેડિકલ ઉપકરણો આ તમામ ક્ષેત્રોમાં ચાંદીનો વપરાશ સતત વધી રહ્યો છે.

આનાથી ચાંદીને એક મજબૂત ઔદ્યોગિક ટેકો (Industrial Support) મળી રહ્યો છે, જે અગાઉના સમયમાં નહોતો. આ ઉપરાંત, હવે કોઈપણ એક રોકાણકાર કે સમૂહ માટે આખા બજારને નિયંત્રિત કરવું લગભગ અશક્ય છે. વૈશ્વિક એક્સ્ચેન્જ, કડક નિયમનો (Regulations), પારદર્શક ટ્રેડિંગ સિસ્ટમ અને દેખરેખ રાખતી એજન્સીઓ બજારને પહેલા કરતાં વધુ સુરક્ષિત બનાવે છે.

નિષ્ણાતો માને છે કે, જોખમ હજુ પૂરેપૂરું ટળ્યું નથી. જો વૈશ્વિક આર્થિક મંદી વધુ ઘેરી બને, વ્યાજ દરો લાંબા સમય સુધી ઊંચા રહે, ડોલર મજબૂત થાય અથવા મોટા રોકાણકારો એકસાથે નફો બુક (Profit Booking) કરવાનું શરૂ કરે, તો આવી સ્થિતિમાં ચાંદીની કિંમતોમાં ઝડપી ઘટાડો આવી શકે છે. જો કે, વર્તમાન સંજોગોને જોતા આને વર્ષ 1980 જેવું 'અચાનક અને સંપૂર્ણ પતન' થયું હોય, તેવું કહેવું હાલમાં ઉતાવળ ગણાશે.