
જાપાની કુસ્તીબાજ સામે સેમિફાઇનલ મેચ હાર્યા બાદ જ્યારે અમનનું વજન કરવામાં આવ્યું ત્યારે તે 61.5 કિલો હતું. અમન 57 કિગ્રા કેટેગરીમાં રમે છે અને આ વજન તેની કેટેગરી કરતા 4.5 કિગ્રા વધુ હતું. આ પછી ભારતીય કોચ જગમંદર સિંહ અને વીરેન્દ્ર દહિયાએ કુલ 6 સભ્યોની કુસ્તી ટીમ સાથે મળીને અમન સેહરાવતનું વજન ઘટાડવાનું મિશન પૂર્ણ કરવાનું નક્કી કર્યું. મોટી વાત એ છે કે તેની પાસે માત્ર 10 કલાક બચ્યા હતા.

અમન સેહરાવતને સૌપ્રથમ દોઢ કલાકનું મેટ સેશન આપવામાં આવ્યું હતું, જેમાં તેને ઉભા રહીને કુસ્તી કરાવવામાં આવી હતી. આ પછી અમન સેહરાવતને એક કલાકનું હોટ બાથ સેશન આપવામાં આવ્યું હતું.

રાત્રે 12 વાગ્યા પછી અમન સેહરાવતે જીમમાં એક કલાક સુધી ટ્રેડમિલ રનિંગ કર્યું.અમનને આરામ કરવા માટે 30 મિનિટનો સમય આપવામાં આવ્યો અને પછી તેને 5 મિનિટના સૌના બાથના 5 સેશન આપવામાં આવ્યા આ રીતે તેણે 3.6 કિલો વજન ઘટાડ્યું. અંતમાં અમનને મસાજ કરાવવામાં આવ્યો અને આ પછી ખેલાડીએ લાઇટ જોગિંગ અને 15 મિનિટનું રનિંગ સેશન કર્યું.

આટલી મહેનત પછી સવારે 4.30 વાગ્યા સુધીમાં અમનનું વજન 56.9 કિલો થઈ ગયું જે મર્યાદા કરતા 100 ગ્રામ ઓછું હતું. અમન સેહરાવતનું 10 કલાકમાં 4.5 કિલો વજન ઘટાડવું એ એક મોટી વાત છે કારણ કે ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ વધુ વજનના કારણે અયોગ્ય જાહેર થઈ ગઈ હતી. વિનેશે 50 કિગ્રા વર્ગની સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન બનાવીને સિલ્વર મેડલ મેળવ્યો હતો, પરંતુ ફાઇનલ પહેલા તે નિર્ધારિત મર્યાદા કરતાં 100 ગ્રામ વધુ હોવાનું જણાયું હતું અને પરિણામે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. હાલમાં વિનેશનો કેસ CASમાં ચાલી રહ્યો છે, જેનો નિર્ણય ટૂંક સમયમાં આવી શકે છે.