
રિટાયરમેન્ટ માટે મોટું ફંડ બનાવવું હોય તો સૌથી મહત્વની બાબત એ છે કે, તમે કેટલી વહેલી તકે રોકાણ શરૂ કરો છો. આમાં જેટલી વહેલી SIP શરૂ થશે, તેટલા જ ઓછા પૈસા દર મહિને તે ચોક્કસ ટાર્ગેટ સુધી પહોંચવા માટે લગાડવા પડશે. માની લો કે, તમારું લક્ષ્ય 55 વર્ષની ઉંમર સુધી 2 કરોડ રૂપિયાનું ફંડ બનાવવાનું છે. હવે સવાલ એ છે કે, જો તમે આ સફર 25 વર્ષની ઉંમરે શરૂ કરો, 30 વર્ષથી કરો કે પછી 35 વર્ષની ઉંમરે કરો, તો દરેક કિસ્સામાં દર મહિને કેટલા રૂપિયાની SIP કરવી પડશે?

જો તમે 25 વર્ષની ઉંમરે દર મહિને માત્ર 5,800 રૂપિયાની SIP શરૂ કરો છો અને તેને સતત 30 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો 12% ના વાર્ષિક રિટર્નના હિસાબે તમારું ફંડ લગભગ 2.05 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આમાંથી તમે તમારા ખિસ્સામાંથી માત્ર 20.88 લાખ રૂપિયા લગાવ્યા હશે, જ્યારે બાકીના 1.84 કરોડ રૂપિયા માત્ર રિટર્ન અને કમ્પાઉન્ડિંગથી બન્યા હશે. આ જ કમ્પાઉન્ડિંગની અસલી તાકાત છે. એવામાં જેટલો વધારે સમય મળે છે, તેટલો વધારે પૈસો વધે છે.

જો તમે 5 વર્ષ મોડા એટલે કે 30 ની ઉંમરે રોકાણ શરૂ કરો છો, તો એ જ ટાર્ગેટ માટે દર મહિને 10,500 રૂપિયાની SIPની જરૂર પડશે. 25 વર્ષ સુધી આ રોકાણ ચાલુ રાખવા પર ફંડ લગભગ 1.99 કરોડ રૂપિયા (લગભગ 2 કરોડ) બની જશે. આમાં કુલ જમા રકમ 31.5 લાખ રૂપિયા હશે અને બાકીના 1.68 કરોડ રૂપિયા માત્ર રિટર્નથી બનશે. આમ જોવા જઈએ તો, 5 વર્ષના વિલંબથી માસિક SIP લગભગ બમણી થઈ ગઈ.

હવે જો શરૂઆત 35 વર્ષની ઉંમરે થાય, તો માત્ર 20 વર્ષનો સમય બચે છે. આ કિસ્સામાં એ જ ટાર્ગેટ મેળવવા માટે દર મહિને 20,000 રૂપિયાની SIP કરવી પડશે. 20 વર્ષ પછી ફંડ લગભગ 2 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. આમાં કુલ રોકાણ 48 લાખ રૂપિયા હશે અને બાકીના 1.52 કરોડ રૂપિયા રિટર્નથી આવશે.

જો ત્રણેય ઉદાહરણને સાથે રાખીને જોઈએ, તો એક વાત બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે. રોકાણ જેટલું મોડું શરૂ કરશો, તેટલી વધારે રકમ દર મહિને લગાવવી પડશે. 25 ની ઉંમરે શરૂ કરવા પર માત્ર 5,800 રૂપિયા પૂરતા છે પરંતુ 35 ની ઉંમરે શરૂ કરવા પર એ જ ટાર્ગેટ મેળવવા માટે લગભગ સાડા ત્રણ ગણા વધારે, એટલે કે 20,000 રૂપિયા મહિનાના જોઈએ. આનું કારણ માત્ર એક જ છે કે, કમ્પાઉન્ડિંગને જેટલો વધારે સમય મળે છે, તેટલું જ તે વધુ અસરકારક બને છે.

શરૂઆતના કઈંક વર્ષોમાં SIP માં ગ્રોથ ધીમી લાગે છે, કારણ કે તે સમયે જમા થયેલી રકમ નાની હોય છે પણ જેમ જેમ વર્ષો વિતતા જાય છે, તેમ તેમ તમારા રોકાણ પર મળતું રિટર્ન બમણું થવા લાગે છે. આ જ કારણ છે કે, લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખનારાઓને ઓછા પૈસા લગાવીને પણ મોટો ફાયદો મળી જાય છે, જ્યારે મોડા શરૂ કરનારાઓને વધારે પૈસા લગાવવા પડે છે; કારણ કે તેમની પાસે સમય ઓછો બચે છે. ધ્યાન આપવા જેવી વાત એ જ છે કે, જો રિટાયરમેન્ટ માટે મોટું ફંડ બનાવવું હોય, તો સૌથી મોટો નિર્ણય વહેલી શરૂઆત કરવાનો છે.