
NCLT એ કહ્યું છે કે, કન્ઝ્યુમર બ્રાન્ડ્સનો બિઝનેસ ખૂબ મોટો છે. તેમાં નવા પ્રોડક્ટ્સ બનાવવા અને તેમને બજારમાં લાવવાનું સમગ્ર કામ શામેલ હોય છે. આ વ્યવસાય રિટેલ બિઝનેસથી અલગ છે અને તેને કાળજીપૂર્વક સંભાળવાની જરૂર છે .

મુકેશ અંબાણીએ પહેલેથી જ કહ્યું છે કે, કંપની તેના છૂટક અને ટેલિકોમ બિઝનેસ માટે IPOની યોજના બનાવી રહી છે. આ ફેરફારના કારણે રિટેલ બિઝનેસને IPO માટે તૈયાર કરવું સરળ બનશે, કારણ કે આનાથી FMCG બિઝનેસને અલગ કરવામાં આવશે. બીજું કે, રિટેલ બિઝનેસનું વેલ્યુએશન યોગ્ય રીતે થઈ શકશે, જે રોકાણકારોને આકર્ષિત કરશે.

રિલાયન્સના તાજેતરના આંકડા અનુસાર, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) ની કિંમત 100 અબજ ડોલરથી વધુ છે. જો આ IPO આવે છે, તો તે તાજેતરના સમયમાં શેરબજારનો સૌથી મોટો IPO હોઈ શકે છે.

નાણાંકીય વર્ષ 2025માં રિલાયન્સના FMCG બિઝનેસની કિંમત આશરે ₹11,500 કરોડ જેટલી હતી. આ બિઝનેસમાં 15 કરતાં વધુ બ્રાન્ડનો સમાવેશ થાય છે, જેમ કે કેમ્પા (શરબત), ઈન્ડિપેન્ડન્સ (પેકેટવાળા ખાવા-પીવાના વસ્તુઓ) અને રાવલગાંવ (મિઠાઈઓ) જેવી જાણીતી બ્રાન્ડ્સ છે. આ ઉપરાંત કંપનીએ જામ અને સોસ બનાવતી SIL, રિલાયન્સે રિજનલ બેવરેજ બ્રાન્ડ 'સોસ્યો' અને શેમ્પૂની જાણીતી બ્રાન્ડ 'વેલ્વેટ'ને પણ ખરીદી લીધી છે.

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ જણાવ્યું છે કે, આ બિઝનેસમાં સતત મોટા રોકાણની જરૂર છે. આ FMCG બિઝનેસ રિટેલ વ્યવસાયથી અલગ છે, તેથી તેને રિલાયન્સની એક અલગ પેટાકંપનીમાં રાખવામાં આવશે.