
4 ઓક્ટોબર, 2025 થી એટલે કે આવતીકાલથી RBI એક નવી સિસ્ટમ લાગુ કરશે, જે તમારા ચેકને થોડા જ કલાકોમાં ક્લિયર કરશે અને તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ જાહેરાત કરી છે કે, 4 ઓક્ટોબર, 2025 થી એક નવી ચેક ક્લિયરિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમ હેઠળ, તમારો ચેક કલાકોમાં જ ક્લિયર થઈ જશે અને પૈસા તમારા ખાતામાં ઝડપથી પહોંચી જશે.

RBI એ જણાવ્યું છે કે, હાલની Cheque Truncation System (CTS) વધુ ઝડપી બનાવવામાં આવશે. હવે બેંકમાં ચેક જમા કરાવતાની સાથે જ તેની સ્કેન કોપી તરત જ ક્લિયરિંગ હાઉસ અને પછી પેમેન્ટ કરતી બેંકને મોકલવામાં આવશે. ત્યાંથી બેંકે નિર્ધારિત સમય મર્યાદામાં ચેકને મંજૂરી અથવા રિજેક્ટ કરવો પડશે. આનાથી ક્લિયરિંગનો સમય 2 દિવસથી ઘટીને ફક્ત થોડા કલાકોનો થઈ જશે.

પહેલો તબક્કો 4 ઓક્ટોબર, 2025 થી 3 જાન્યુઆરી, 2026 સુધી લાગુ કરવામાં આવશે. ચેક મળ્યા પછી બેંકે સાંજે 7 વાગ્યા સુધીમાં તેને મંજૂરી આપવી પડશે. જો બેંક સમયસર જવાબ આપવામાં નિષ્ફળ જાય છે, તો ચેક આપમેળે પાસ થઈ જશે.

બીજો તબક્કો 3 જાન્યુઆરી, 2026 થી લાગુ કરવામાં આવશે. બેંકોએ ચેક પ્રાપ્ત થયાના માત્ર 3 કલાકમાં ક્લિયર કરવાના રહેશે. ઉદાહરણ તરીકે, જો તમે સવારે 10 વાગ્યે ચેક જમા કરાવો છો, તો તે બપોરે 1 થી 2 વાગ્યાની વચ્ચે ક્લિયર થશે.

બેંકો સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી સતત ચેક પ્રેઝન્ટેશન સેશન ચલાવશે, એટલે કે સ્કેન કરેલી કોપી દિવસભર મોકલવામાં આવશે. કન્ફર્મેશનનો સમય સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો રહેશે. પ્રથમ તબક્કામાં, બેંકોએ સાંજે 7 વાગ્યા સુધીમાં જવાબ આપવો પડશે પરંતુ બીજા તબક્કાથી ક્લિયરિંગ ફક્ત 3 કલાકમાં જ પૂર્ણ થઈ જશે.

ગ્રાહકોને આ ફેરફારનો સૌથી વધુ ફાયદો થશે. ટૂંકમાં હવે તમારે પૈસા માટે 2 દિવસ રાહ જોવાની જરૂર રહેશે નહીં. 'બેંક' ક્લિયરિંગના એક કલાકમાં તમારા ખાતામાં પૈસા જમા કરશે. આનો અર્થ એ થયો કે, હવે જ્યારે તમે ચેક જમા કરાવશો, ત્યારે તમને લગભગ તે જ દિવસે તમારા પૈસા મળી જશે.