
તમે વિચારી રહ્યા હશો કે, આખરે એવું કયું રેલવે સ્ટેશન છે કે, જ્યાં પ્લેટફોર્મ ટિકિટને બદલે પાસપોર્ટ બતાવીને એન્ટ્રી મળતી હતી? જણાવી દઈએ કે, આ રેલવે સ્ટેશન ભારતનું છેલ્લું રેલવે સ્ટેશન હતું અને મુસાફરોની સુરક્ષા માટે બીજા દેશમાં જતા પહેલા અહીં મુસાફરોનો પાસપોર્ટ ચેક કરવામાં આવતો હતો.

ભારતનું છેલ્લું રેલવે સ્ટેશન અટારી રેલવે સ્ટેશન (Attari Railway Station) છે, જે પંજાબના અમૃતસર જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલું છે.

આ રેલવે સ્ટેશન ઐતિહાસિક રીતે 'સમજોતા એક્સપ્રેસ' માટે જાણીતું હતું, જ્યાં પાકિસ્તાની વિઝા અને પાસપોર્ટની જરૂર પડતી હતી. જો કે, હવે આ સેવા બંધ છે. તમને જણાવી દઈએ કે, અહીં સુરક્ષા ખૂબ જ કડક રાખવામાં આવતી હતી અને જરૂરી દસ્તાવેજો વગર પકડાઈ જવાથી 'ફોરેન એક્ટ' હેઠળ કેસ પણ નોંધાઈ શકતો હતો.

એવો દાવો કરવામાં આવે છે કે, વર્ષ 1971માં ઇન્દિરા ગાંધી અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે થયેલા શિમલા કરાર દરમિયાન 'સમજોતા એક્સપ્રેસ' ચલાવવા પર સહમતી બની હતી. 22 જુલાઈ, 1976ના રોજ અટારી અને લાહોર વચ્ચે આ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં તો આ ટ્રેન દરરોજ ચલાવવામાં આવતી હતી પરંતુ વર્ષ 1994માં તેને અઠવાડિયામાં માત્ર બે દિવસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વર્ષ 2019માં જ્યારે મોદી સરકારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી, ત્યારબાદ પાકિસ્તાન સાથેની સમજોતા એક્સપ્રેસ બંધ કરી દેવામાં આવી. નોંધનીય છે કે, તે સમયે ભારતીય ટ્રેનના 11 ડબ્બા લાહોરમાં હતા, જે આજે પણ ત્યાં જ ફસાયેલા છે. જો કે, પાકિસ્તાની ટ્રેનના 16 ડબ્બા પણ ભારતમાં અટારી રેલવે સ્ટેશન પર ઉભેલા છે.