
અરજી સબમિટ થયા પછી DISCOM વિભાગ તમારી વિગતો ચકાસે છે, જે પ્રક્રિયામાં થોડા દિવસ લાગી શકે છે. માહિતી સાચી હોય તો અરજીને મંજૂરી આપવામાં આવે છે. મંજૂરી મળ્યા પછી અરજદારે પોર્ટલમાં લોગિન કરીને સત્તાવાર રજીસ્ટર્ડ વિક્રેતાની પસંદગી કરવી હોય છે. વિક્રેતા તમારા ઘેર આવી છતનું નિરીક્ષણ કરે છે અને કેટલા kW ક્ષમતા સુધીનું સોલાર સિસ્ટમ યોગ્ય રહેશે તે નક્કી કરે છે. સર્વે પછી તમારા ઘેર સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને ત્યારબાદ DISCOM ટીમ આવી ને નેટ મીટર ઇન્સ્ટોલ કરે છે અને સિસ્ટમને ગ્રીડ સાથે જોડે છે.

ઈન્સ્ટોલેશન પૂર્ણ થયા બાદ નિરીક્ષણ રિપોર્ટ જનરેટ થાય છે અને અંતિમ મંજૂરી મળ્યા પછી સબસિડી સીધા તમારા બેંક ખાતામાં જમા થાય છે. ત્યારથી દર મહિને 300 યુનિટ સુધી વીજળી સંપૂર્ણ મફત મળી રહે છે.

સરકારે સબસિડીની રકમ પણ સ્પષ્ટ કરી છે. 1 કિલોવોટ માટે ₹30,000, 2 કિલોવોટ માટે ₹60,000 અને 3 કિલોવોટ અથવા તેથી વધુ ક્ષમતા માટે ₹78,000 કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત દરેક રાજ્ય પોતાની તરફથી વધારાની સબસિડી પણ આપે છે, જેના કારણે કુલ સબસિડીની રકમ રાજ્ય મુજબ બદલાય છે.

જો તમે લાઈટના બિલથી પરેશાન છો અને ઘરમાં ફ્રી વીજળી મેળવવા માંગો છો, તો પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના તમારા માટે ખૂબ જ લાભદાયી બની શકે છે. માત્ર એક સરળ ઓનલાઈન રજિસ્ટ્રેશનથી તમે સૂર્ય ઊર્જા અપનાવી શકો છો અને વીજળીના બિલમાં કરવો પડે છે તે મોટો ખર્ચ હંમેશા માટે ઘટાડો કરી શકો છો.