
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવની અસર હવે ભારતની ઊર્જા નીતિ પર પણ સ્પષ્ટ દેખાવા લાગી છે. દેશમાં પેટ્રોલિયમ પેદાશોની પૂરતી ઉપલબ્ધતા જાળવી રાખવા અને સ્થાનિક બજારને સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકારે ડીઝલ, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને પેટ્રોલના નિકાસ વેરા (Export Duty) માં મોટો ફેરફાર કર્યો છે. જણાવી દઈએ કે, આ નવા નિયમો 16 જુલાઈથી લાગુ થઈ ગયા છે.

સરકારના આ નિર્ણય હેઠળ ડીઝલ અને ATF ની નિકાસ પર લાગતી ડ્યુટીમાં મોટો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે પેટ્રોલની નિકાસ (Export) પર લાગતી ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, સરકારે આ પગલું આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તણાવને ધ્યાનમાં રાખીને ઉઠાવ્યું છે.

નવા નિયમો મુજબ, ડીઝલની નિકાસ પર હવે પ્રતિ લિટર 15.50 રૂપિયા ડ્યુટી ચૂકવવી પડશે. આ પહેલા તે પ્રતિ લિટર 8.50 રૂપિયા હતી. ટૂંકમાં સરકારે તેમાં પ્રતિ લિટર 7 રૂપિયાનો વધારો કર્યો છે. બીજીબાજુ ATF એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલની નિકાસ પર હવે પ્રતિ લિટર 14.50 રૂપિયા ડ્યુટી લાગશે. પહેલા તે પ્રતિ લિટર 7.50 રૂપિયા હતી, એટલે કે તેમાં પણ પ્રતિ લિટર 7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ખાસ વાત એ છે કે, પેટ્રોલની નિકાસ પર સરકારે રાહત આપી છે. પહેલા જ્યાં નિકાસ વેરો પ્રતિ લિટર 4 રૂપિયા હતો, હવે તેને ઘટાડીને 2.50 રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવ્યો છે. સરળ રીતે સમજીએ તો, પેટ્રોલ નિકાસ કરતી કંપનીઓ પર હવે પહેલા કરતા ટેક્સનો બોજ ઓછો રહેશે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકાર દર 15 દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ, પેટ્રોલ, ડીઝલ અને ATFના સરેરાશ ભાવોની સમીક્ષા કરે છે. આ જ આધારે નિકાસ વેરામાં ફેરફાર કરવામાં આવે છે.

સરકારનું કહેવું છે કે, વર્તમાન સમયમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં અનિશ્ચિતતા બનેલી છે. આવા સંજોગોમાં દેશની અંદર ઇંધણની પૂરતી ઉપલબ્ધતા જાળવી રાખવી જરૂરી છે. આ જ ઉદ્દેશ્યથી નિકાસ વેરાની વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી, જેથી જરૂર પડ્યે કંપનીઓ વધુ માત્રામાં ઇંધણ વિદેશ મોકલવાને બદલે સ્થાનિક બજારને પ્રાથમિકતા આપે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, નિકાસ પર લાગનારી આ ડ્યુટી સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) ના રૂપમાં વસૂલવામાં આવશે. આ વખતે રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ (RIC) માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને આ ઉત્પાદનો પર RIC લાગશે નહીં. પેટ્રોલ, ડીઝલ અને ATFની નિકાસ પર માત્ર SAED જ લાગુ રહેશે.

સરકારે એ પણ સાફ કર્યું છે કે, આ નિર્ણયની અસર માત્ર નિકાસ પર જ પડશે. પેટ્રોલ, ડીઝલ અને ATFની આયાત ડ્યુટી (Import Duty) માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વિદેશથી આ ઉત્પાદનોની આયાતના નિયમો પહેલા જેવા જ રહેશે. નિષ્ણાતોનું માનવું છે કે, નિકાસ વેરો વધવાથી તેલ કંપનીઓ સ્થાનિક બજારમાં વધુ પુરવઠો જાળવી રાખવા પર ધ્યાન આપશે. તેનાથી દેશમાં ઇંધણની ઉપલબ્ધતા વધુ સારી રહી શકે છે, જ્યારે પેટ્રોલ પર ડ્યુટી ઓછી થવાથી તેની નિકાસને થોડી રાહત મળી શકે છે.

જો કે, સામાન્ય ગ્રાહકો માટે હાલમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવો પર આ નિર્ણયની કોઈ સીધી અસર નહીં થાય, કારણ કે આ ફેરફાર માત્ર નિકાસ વેરા સાથે જોડાયેલો છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં મોટો ઉતાર-ચઢાવ ચાલુ રહેશે, તો આગામી સમયમાં સરકાર આગળ પણ ડ્યુટીની સમીક્ષા કરી શકે છે. સમગ્ર રીતે જોતા, સરકારનો આ નિર્ણય વૈશ્વિક પરિસ્થિતિઓ અને સ્થાનિક ઇંધણના પુરવઠા વચ્ચે સંતુલન જાળવી રાખવાની વ્યૂહરચનાનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે.