
જંગ અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે થઈ રહી છે અને 'તેલ' પાકિસ્તાનનું નીકળી ગયું છે. મિડલ ઈસ્ટ જંગ (Middle East Conflict) ના કારણે પાકિસ્તાનમાં માત્ર પેટ્રોલ-ડીઝલના જ ભાવ નથી વધ્યા પરંતુ બ્રેડ, દૂધથી લઈને લોટ-દાળ-ચોખા સુધીની તમામ ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવમાં આસમાને પહોંચ્યા છે. સરકારી આંકડા પણ આ વાતની પુષ્ટિ કરે છે.

હાલના સમયે પાકિસ્તાનના કરાચી શહેરની વાત કરીએ તો, ત્યાં દૂધનો ભાવ 240 રૂપિયા/લિટર સુધી પહોંચી ગયો છે, જ્યારે બ્રેડની કિંમત 160 રૂપિયાની આસપાસ થઈ ગઈ છે. સફરજન 316 રૂપિયા અને નારંગી 280 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (PBS) મુજબ, 11 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં મોંઘવારીનો સૂચકાંક (SPI) 6.44% વધી ગયો છે. વાર્ષિક ધોરણે થયેલા આ વધારા પાછળ પેટ્રોલિયમ પેદાશો અને જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલો તીવ્ર વધારો જવાબદાર હોવાનું કહેવાય છે. પાકિસ્તાનમાં ટૂંકાગાળાની મોંઘવારીનો મુખ્ય સૂચકાંક સેન્સિટિવ પ્રાઇસ ઇન્ડિકેટર (SPI) 1.89% વધ્યો છે, જે ઘરેલું વપરાશની મુખ્ય વસ્તુઓના ભાવમાં આવેલા ઉછાળાને દર્શાવે છે.

રિપોર્ટ અનુસાર, પેટ્રોલના ભાવમાં 20.60 ટકા અને ડીઝલમાં 19.54 ટકાનો સાપ્તાહિક વધારો નોંધાયો છે. તે જ સમયે, એલપીજી (LPG) ના ભાવમાં 12.13 ટકાનો વધારો થયો છે, જેણે મોંઘવારી વધારવામાં મોટી ભૂમિકા ભજવી છે. ખાદ્ય પદાર્થોની કિંમતોમાં પણ વધારો નોંધાયો છે. ડુંગળી 9.63 ટકા, કેળા 1.44 ટકા અને ઘઉંનો લોટ 1.28 ટકા મોંઘો થયો છે. આ ઉપરાંત ચિકન 0.66 ટકા, અડદની દાળ 0.55 ટકા, લાકડાં 0.38 ટકા, ચણાની દાળ 0.10 ટકા, તાજું દૂધ 0.08 ટકા અને રાંધેલું બીફ 0.02 ટકા મોંઘું થયું છે.

પાકિસ્તાનમાં એક વ્યક્તિને 2400 કેલરીવાળું સારું અને સંતુલિત ભોજન મેળવવા માટે દરરોજ ઓછામાં ઓછા 1,073.04 રૂપિયા ખર્ચવા પડે છે, એટલે કે મહિનાનો લઘુત્તમ ખર્ચ 33,264.29 રૂપિયા બેસે છે. 'કોસ્ટ ઓફ લિવિંગ' પર નજર રાખતી સંસ્થા Numbeo ના આંકડા મુજબ, આમાં દૂધ, બ્રેડ, ચોખા, ઈંડા, પનીર, ચિકન, બીફ, ફળ અને શાકભાજી જેવી વસ્તુઓનો ખર્ચ જોડાયેલ છે. આ વસ્તુઓની કિંમતો જોડીને જણાવાયું છે કે, માત્ર પાયાના પૌષ્ટિક ભોજન માટે જ દરેક વ્યક્તિને 1,000 રૂપિયાથી વધુની જરૂર છે. આનાથી સ્પષ્ટ દેખાય છે કે, વર્તમાન કિંમતો પર સામાન્ય પરિવારો માટે સારું ભોજન લેવું કેટલું મુશ્કેલ બની રહ્યું છે.

એક તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે, પાકિસ્તાન ટૂંકાગાળાના રેમિટન્સ (વિદેશથી આવતા નાણાં) અને બાહ્ય મદદ પર અતિશય નિર્ભરતાને કારણે જોખમી આર્થિક જાળમાં ફસાઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના GDP માં રેમિટન્સનો હિસ્સો લગભગ 10 ટકા સુધી પહોંચી ગયો છે, જે નિકાસ આવકની બરાબર થઈ ગયો છે. આના કારણે બંધ પડેલી ફેક્ટરીઓ, ઊંચી બેરોજગારી અને ઉત્પાદન ક્ષમતાનો ઓછો ઉપયોગ જેવી આર્થિક નબળાઈઓ છુપાઈ રહી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, વર્ષ 1958 થી અત્યાર સુધીમાં પાકિસ્તાન 26 વખત ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના પ્રોગ્રામમાં જોડાઈ ચૂક્યું છે, જે દુનિયામાં સૌથી વધુ છે. આ કાર્યક્રમો હેઠળ પાકિસ્તાનને અત્યાર સુધીમાં 34 અબજ ડોલરથી વધુની મદદ મળી છે.

હાલમાં 7 અબજ ડોલરનો એક્સટેન્ડેડ ફંડ ફેસિલીટી પ્રોગ્રામ વર્ષ 2024 માં શરૂ થયો હતો, જેને વર્ષ 2025-26 સુધી લંબાવવામાં આવ્યો છે, જે દેશની બાહ્ય મદદ પર વધતી નિર્ભરતા દર્શાવે છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, વર્ષ 2026 થી વર્ષ 2031 ની વચ્ચે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પર દેવું, મોંઘવારી અને વધતી ગરીબીની ઊંડી અસર જોવા મળી શકે છે, જેનાથી સામાન્ય લોકોના ઘરના બજેટ પર ભારે દબાણ વધશે.