
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) હેઠળના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 15 જાન્યુઆરીએ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે. આ કારણોસર સરકારે તે દિવસે રજા જાહેર કરી છે.

ટૂંકમાં, આ દિવસે એટલે કે 15 જાન્યુઆરીના રોજ સરકારી રજાને કારણે મુંબઈની તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે. એવામાં પ્રશ્ન ઊભો થયો છે કે, શું 15 જાન્યુઆરીએ શેરબજાર પણ બંધ રહેશે?

નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) જાહેરાત કરી છે કે, શેરબજાર 15 જાન્યુઆરી, 2026 ના રોજ ખુલ્લુ રહેશે પરંતુ મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ ચૂંટણીઓને કારણે તે દિવસે સેટલમેન્ટ હોલિડે રહેશે.

નેશનલ સ્ટોક એક્સચેન્જે જણાવ્યું કે, 15 જાન્યુઆરી, 2026 ના રોજ શેરબજારમાં રાબેતા મુજબ ટ્રેડિંગ ચાલુ રહેશે પરંતુ મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ ચૂંટણીને કારણે તે દિવસે કોઈ ટ્રેડિંગ પ્રોસેસ કરવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે, તે દિવસે ટ્રાન્ઝેક્શન સેટલમેન્ટ (T+0) થશે નહીં.

સરળ શબ્દોમાં કહીએ તો, તમે 15 જાન્યુઆરી, 2026 ના રોજ રાબેતા મુજબ શેર ખરીદી અને વેચી શકો છો પરંતુ તે દિવસે ફંડ તેમજ શેરનું કોઈ સત્તાવાર સેટલમેન્ટ થશે નહીં. આ સેટલમેન્ટ પ્રોસેસ આગામી કાર્યકારી દિવસે પૂર્ણ થશે. આથી, ગભરાવાની જરૂર નથી કારણ કે ટ્રેડિંગ પર આની કોઈ તાત્કાલિક અસર પડશે નહીં. ટૂંકમાં, રજાને કારણે સેટલમેન્ટમાં ફક્ત એક દિવસનો વિલંબ થશે.

મહારાષ્ટ્ર સરકારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ 15 જાન્યુઆરીને પબ્લિક હોલિડે જાહેર કરેલ છે. આનો ઉદ્દેશ્ય બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા સંચાલિત મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગર સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાનિક ચૂંટણીઓને સરળ બનાવવાનો છે.

ભારતની સૌથી મહત્વપૂર્ણ સ્થાનિક સરકારી સંસ્થાઓમાંની એક 'BMC' માટેની ચૂંટણીઓ 15 જાન્યુઆરીએ મહારાષ્ટ્રની 28 બીજી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ સાથે યોજાશે, જેની મતગણતરી 16 જાન્યુઆરીએ થશે.

એકંદરે જોવા જઈએ તો, તમે 15 જાન્યુઆરીના રોજ રાબેતા મુજબ શેર ખરીદી અને વેચી શકો છો પરંતુ રજાના કારણે ટ્રાન્ઝેક્શન (ફંડ અને શેરના ટ્રાન્સફર)માં વિલંબ થશે. એવામાં NSE સભ્યો અને રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ તેમના ટ્રાન્ઝેક્શનનું કાળજીપૂર્વક આયોજન કરે.