
ઉત્તર કોરિયાએ એક શક્તિશાળી મિસાઇલ એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું છે, જેનો ઉપયોગ અમેરિકા સુધી પહોંચનારી મિસાઇલોમાં થઈ શકે છે. આ ટેસ્ટ દેશના સૈન્ય કાર્યક્રમ હેઠળ કરવામાં આવેલ છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને (Kim Jong Un) પોતે આ એન્જિન ટેસ્ટનું નિરીક્ષણ કર્યું અને તેને દેશની સૈન્ય શક્તિ વધારવા માટેનું મોટું પગલું ગણાવ્યું.

સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, આ નવું એન્જિન પહેલા કરતા વધુ શક્તિશાળી છે અને તેમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે, તેનો ઉપયોગ લાંબા અંતરની મિસાઇલો (ICBM-Intercontinental Ballistic Missile) માં કરવામાં આવશે, જે અમેરિકા સુધી પહોંચી શકે છે.

આ ટેસ્ટ ઉત્તર કોરિયાની 5 વર્ષની સૈન્ય વિસ્તરણ યોજનાનો ભાગ છે. આનો ઉદ્દેશ્ય પરમાણુ હથિયાર લઈ જતી મિસાઇલોને વધુ મજબૂત બનાવવાનો છે. નવી ટેકનોલોજીથી મિસાઇલને પકડવી (Detect કરવી) મુશ્કેલ બની શકે છે.

એક્સપર્ટ્સનું કહેવું છે કે, ઉત્તર કોરિયા એવી મિસાઇલો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે, જેમાં એક સાથે અનેક વોરહેડ લગાવી શકાય. તાજેતરમાં જ કિમ જોંગ ઉને અમેરિકા પર “આક્રમક નીતિ” અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. આવી સ્થિતિમાં તેમણે કહ્યું કે, તેમનો દેશ પોતાની પરમાણુ શક્તિને વધુ મજબૂત કરશે.

કેટલાક વિદેશી નિષ્ણાતો કહે છે કે, ઉત્તર કોરિયા પાસે હજુ પણ કેટલીક તકનીકી પડકારો છે, જેમ કે વોરહેડને વાતાવરણમાં પાછા આવતી વખતે થતી ગરમીથી બચાવવું. જો કે, ઘણા વર્ષોથી ચાલી રહેલા કાર્યક્રમને જોતા કેટલાક લોકો તેને ઓછું મહત્વનું માને છે. વર્ષ 2019 માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કિમની વાતચીત નિષ્ફળ ગયા પછી ઉત્તર કોરિયાએ પોતાના ન્યુક્લિયર હથિયાર વધારવા પર ઝડપથી કામ શરૂ કરી દીધું હતું.

ફેબ્રુઆરીમાં વર્કર્સ પાર્ટીની બેઠકમાં કિમે ટ્રમ્પ સાથે ફરીથી વાતચીતનો રસ્તો ખુલ્લો રાખ્યો પરંતુ કહ્યું કે, અમેરિકાએ પહેલા ઉત્તર કોરિયાની ન્યુક્લિયર નિઃશસ્ત્રીકરણ (Disarmament) ની માંગ છોડવી પડશે. આ ટેસ્ટ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આવ્યો છે, જેનાથી વૈશ્વિક તણાવ વધુ વધી ગયો છે.