
રિપોર્ટ મુજબ, આ વર્ષે સોનું પણ ઉત્તમ રિટર્ન આપી રહ્યું છે. 8 ઓક્ટોબર, 2025 સુધીમાં સોનામાં 61.82% નો વધારો થયો છે. આની તુલનામાં, ભારતીય ઇક્વિટી જેવા ઍસેટ ક્લાસ 4.2% અને બોન્ડ્સે 8.4% રિટર્ન આપ્યું છે. અહેવાલ સૂચવે છે કે, જો યુએસમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવે છે, તો ડોલર નબળો પડશે, જે સોના-ચાંદીના ભાવને વધુ ટેકો આપશે.

એમ્કે વેલ્થ મેનેજમેન્ટના પ્રોડક્ટ્સ હેડ આશિષ રણવાડેએ જણાવ્યું હતું કે, "સંસ્થાકીય રોકાણકારો અને કેન્દ્રીય બેંકો તરફથી ડોલર સામે સોનામાં રૂચિ વધવાથી 'સોના-ચાંદી' મજબૂત થયા છે. વધુમાં, ચાંદીની ડિમાન્ડ-સપ્લાયની સ્થિતિ અનુકૂળ છે અને તે તકનીકી રીતે તેના ઓલ ટાઇમ હાઇ લેવલના બ્રેકઆઉટ ઝોનમાં પહોંચી ગઈ છે."

એમ્કે વેલ્થ મેનેજમેન્ટના અહેવાલમાં જણાવાયું છે કે, ભારતીય ઇક્વિટી બજાર હજુ પણ "ખર્ચાળ ઝોન" માં છે. નિફ્ટી 100 નું મૂલ્યાંકન 21.8 ગણું, નિફ્ટી મિડકેપ 150 નું 33.6 ગણું, નિફ્ટી સ્મોલકેપ 250 નું 30.43 ગણું અને નિફ્ટી માઇક્રોકેપ 250 નું 28.88 ગણું છે. આમ છતાં, સ્થાનિક રોકાણકારો ભારતીય ઇક્વિટીમાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે.

એમ્કે વેલ્થના રિસર્ચ હેડ ડૉ. જોસેફ થોમસે જણાવ્યું હતું કે, "માળખાકીય રીતે, ભારત વૈશ્વિક અર્થતંત્રમાં એક 'આઉટલાયર' તરીકે ઉભરી રહ્યું છે. તાજેતરના IPO બૂમે ભારતીય બજારને પહેલા કરતાં વધુ મોટું બનાવ્યું છે." રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ઘણા દેશો પર યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા લાદવામાં આવેલા આયાત ટેરિફને કારણે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં નોંધપાત્ર ખલેલ પહોંચી છે.

ઉદાહરણ તરીકે, મેક્સિકો અને કેનેડા પરના ટેરિફથી યુએસ ઓટો ઇંડસ્ટ્રીને ભારે ફટકો પડ્યો છે. બીજું કે, આ વેપાર નીતિને કારણે ભારતને પણ નુકસાન થયું છે, કારણ કે અમેરિકાએ ભારતીય નિકાસ ઉપર 50 ટકા સુધીના ઊંચા ટેરિફ લાદ્યા છે. વધુમાં, યુક્રેન અને મિડલ ઈસ્ટના યુદ્ધે વૈશ્વિક વેપાર અને સપ્લાય લાઇનને વધુ નબળી પાડી છે.