
E20 પેટ્રોલને લઈને ઉઠેલી ચિંતાઓ વચ્ચે ઈન્ડિયન ઓઈલનું પ્રીમિયમ ફ્યુઅલ XP100 ચર્ચામાં છે. કેટલાક વાહન માલિકોએ E20 પેટ્રોલના ઉપયોગથી માઇલેજ ઓછું થવા અને જૂના એન્જિન પર અસર પડવા જેવી ફરિયાદો કરી છે. આવી સ્થિતિમાં ઘણા લોકો XP100 ને એક વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.

XP100 એ ઈન્ડિયન ઓઈલનું 100 ઓક્ટેન રેટિંગ ધરાવતું પ્રીમિયમ પેટ્રોલ છે, જેને ડિસેમ્બર 2020માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણપણે ઇથેનોલ-મુક્ત (Ethanol-free) છે, જ્યારે 'E20' XP95 અને ઘણા પ્રીમિયમ પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ હોય છે. તેને ખાસ કરીને સુપરકાર, લક્ઝરી કાર અને હાઈ-પરફોર્મન્સ બાઈક્સ માટે તૈયાર કરવામાં આવ્યું છે.

સરકાર ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને પ્રોત્સાહન આપી રહી છે, કારણ કે તેનાથી પ્રદૂષણ ઘટાડવામાં અને ક્રૂડ ઓઈલની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળે છે. E20 પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલ હોય છે. જો કે, કેટલાક ગ્રાહકોએ જૂના વાહનોમાં તેના ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

ઇન્ડિયન ઓઇલના જણાવ્યા અનુસાર, 91 ઓક્ટેન પેટ્રોલ પર ચાલતા વાહનમાં પણ XP100 નો ઉપયોગ કરી શકાય છે. તેનાથી એન્જિનને કોઈ નુકસાન નહીં થાય. કંપનીનો દાવો છે કે, તેનાથી એન્જિન વધુ સ્મૂધ ચાલે છે, એક્સિલરેશન સરસ બને છે અને ફ્યુઅલ સિસ્ટમની સફાઈમાં પણ મદદ મળે છે. જો કે, આનો પૂરો ફાયદો એવા એન્જિનોમાં મળે છે, જેને હાઈ ઓક્ટેન ફ્યુઅલ માટે ડિઝાઈન કરવામાં આવ્યા હોય.

જો વાહનમાં 91 ઓક્ટેન અને XP100 બંને પેટ્રોલ મિક્સ થઈ જાય, તો પણ એન્જિનને કોઈ નુકસાન થશે નહીં. મિશ્રણ થયા પછી ફ્યુઅલનું ઓક્ટેન રેટિંગ વધી જશે, જેના કારણે વાહન પહેલા કરતાં વધુ સ્મૂધ ચાલી શકે છે.

ઇન્ડિયન ઓઇલનું કહેવું છે કે, XP100 સહિત તેના તમામ પેટ્રોલ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના ધોરણો પર ખરા ઉતરે છે. તેથી વાહન ઉત્પાદક કંપનીઓ (OEM) એન્જિન વોરંટી અંગે કોઈ વાંધો ઉઠાવતી નથી.