
આજના સમયમાં ઘણા લોકો સવારની શરૂઆત મોબાઇલ ફોનથી કરે છે. એલાર્મ બંધ કર્યા બાદ તરત જ તેઓ સોશિયલ મીડિયા, મેસેજ, નોટિફિકેશન કે ઈમેઇલ ચેક કરવા લાગે છે. શરૂઆતમાં આ સામાન્ય આદત લાગે છે, પરંતુ સવારનો સમય આપણા મૂડ અને દિવસભરની ઊર્જા પર અસર કરી શકે છે. તેથી, ઉઠ્યા પછી તરત ફોનનો ઉપયોગ કરવાને બદલે થોડો સમય પોતાની જાત માટે ફાળવવો વધુ સારું છે.

આયુર્વેદિક માન્યતાઓ અને આધુનિક વિજ્ઞાન બંનેમાં સવારનો સમય શરીર અને મન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દિવસની શરૂઆત ધ્યાન, યોગ, હળવી કસરત અથવા પૂરતું પાણી પીવા જેવી સારી ટેવોથી કરવાથી મનને શાંતિ મળે છે અને દિવસ વધુ સારો પસાર કરવામાં મદદ મળી શકે છે. બીજી તરફ, ઉઠતાની સાથે જ મોબાઇલની સ્ક્રીન, નોટિફિકેશન અને સતત માહિતીમાં વ્યસ્ત થવાથી મન પર તણાવ વધી શકે છે અને દિવસની શરૂઆત નકારાત્મક બની શકે છે.

વહેલી સવારે સોશિયલ મીડિયા, સમાચાર અથવા ઓફિસના ઈમેઇલ ચેક કરવાથી મન પર તરત જ અનેક પ્રકારનું દબાણ આવી શકે છે. સોશિયલ મીડિયા પર બીજાઓનું જીવન જોઈને સરખામણી કરવી અથવા કામ સંબંધિત બાબતો વિશે વિચારવાથી ચિંતા અને તણાવ વધી શકે છે. આ કારણે સવારની શાંતિ અને સારો મૂડ બગડી શકે છે અને દિવસની શરૂઆત જ તણાવભરી બની શકે છે.

સવારના સમયે મન સામાન્ય રીતે શાંત હોય છે અને નવી માહિતી ગ્રહણ કરવા માટે તૈયાર રહે છે. પરંતુ ઉઠતાની સાથે જ મોબાઇલમાં સતત માહિતી જોવાથી મગજ પર વધુ ભાર પડી શકે છે, જેના કારણે દિવસ દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને કામ કરવાની ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે. લાંબા સમય સુધી સ્ક્રીન જોવાથી આંખોમાં થાક, માથાનો દુખાવો જેવી તકલીફ થઈ શકે છે. ઉપરાંત, પથારીમાં ખોટી સ્થિતિમાં મોબાઇલનો ઉપયોગ કરવાથી ગરદન અને પીઠમાં દુખાવો થવાની શક્યતા પણ રહે છે.

સવારનો સમય પરિવાર સાથે વાતચીત કરવા અને પોતાની જાતને સમય આપવા માટે ખૂબ સારો હોય છે. પરંતુ જો દિવસની શરૂઆત મોબાઇલ અને સોશિયલ મીડિયામાં પસાર કરવામાં આવે, તો પરિવાર સાથે વિતાવવાની કિંમતી પળો ગુમાઈ શકે છે. સતત ફોનમાં વ્યસ્ત રહેવાની આદતથી પરિવાર સાથેના સંબંધો પર અસર પડી શકે છે

સવારે અચાનક મળતા મેસેજ, નકારાત્મક સમાચાર અથવા સતત નોટિફિકેશન મન પર તણાવ વધારી શકે છે. તેથી ઉઠ્યા પછી તરત મોબાઇલ જોવાને બદલે મગજને થોડો સમય શાંત રહેવા આપવો જોઈએ. આ દરમિયાન તમે દિવસના કામનું આયોજન સરળતાથી કરી શકો છો. શાંત અને સકારાત્મક વાતાવરણ સાથે દિવસની શરૂઆત કરવાથી આખો દિવસ વધુ સારી રીતે પસાર કરવામાં મદદ મળી શકે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)