
સવારે પથારીમાંથી ઊઠતાંની સાથે જ માથાનો અસહ્ય દુખાવો થવો, કોઈ ચોક્કસ કારણ વગર ચીડિયાપણું લાગવું કે ઓફિસ-કામકાજમાં ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું એ ઘણીવાર અયોગ્ય અને ખરાબ ઊંઘનું પરિણામ હોય છે. જો આવું ક્યારેક બને તો ચિંતાનો વિષય નથી, પરંતુ જો આ સમસ્યા રોજિંદી બની ગઈ હોય, તો ઊંઘવાની આદતો પર તાત્કાલિક ધ્યાન આપવું અત્યંત જરૂરી બને છે.

ન્યુરોલોજીસ્ટના જણાવ્યા અનુસાર, આજના સમયમાં મોડી રાત સુધી સ્માર્ટફોન સ્ક્રોલ કરવો, કામના બોજ હેઠળ મોડા સૂવું, રાત્રે વારંવાર ઊંઘ ઊડી જવી અને રોજ અલગ-અલગ સમયે સૂવાની આદત સામાન્ય બની ગઈ છે. આ પ્રકારની બગડેલી લાઇફસ્ટાઇલ સામાન્ય માનવામાં આવે છે, જેમાં બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકો મોબાઇલમાં પરોવાયેલા રહે છે.

બીજા દિવસે શરીર અને મગજ પર સીધી અસર: નિષ્ણાતોના મતે, ઊંઘ સાથે જોડાયેલી આ ભૂલોના કારણે શરીર અને મગજને જરૂરી આરામ મળી શકતો નથી, જેની વિપરીત અસર બીજા દિવસે સ્પષ્ટપણે વર્તાય છે: પૂરતી ઊંઘ લીધા છતાં સવારે ભારે થાક અને સુસ્તી અનુભવવી. કોઈ પણ કાર્યમાં મન ન લાગવું અને નાની-નાની બાબતો પર ગુસ્સો આવવો. લાંબા ગાળે યાદશક્તિ નબળી પડવી અને એકાગ્રતામાં મોટો ઘટાડો થવો.

સવારે થતો માથાનો દુખાવો એ એક મહત્વનું ચેતવણીરૂપ લક્ષણ છે. જો માથાના દુખાવાની સાથે રાત્રે ખૂબ નસકોરાં બોલતાં હોય, ઊંઘ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય (સ્લીપ એપ્નિયા), વારંવાર ઝબકીને જાગી જવાતું હોય, તો તે કોઈ ગંભીર સ્લીપ ડિસઓર્ડર તરફ ઈશારો કરે છે, જેને ક્યારેય નજરઅંદાજ ન કરવો જોઈએ.

માત્ર વધુ કલાકો સૂવું એ પૂરતું નથી: સારી ઊંઘનો અર્થ માત્ર 8 કે 9 કલાક પથારીમાં પડ્યા રહેવું નથી, પરંતુ ઊંઘ સળંગ અને ગાઢ (ડીપ સ્લીપ) હોવી જરૂરી છે. ઊંઘ દરમિયાન મગજ આખા દિવસના માનસિક થાકમાંથી મુક્ત થાય છે અને શરીરના આંતરિક કોષોનું સમારકામ થાય છે. ખરાબ ઊંઘની અસર માત્ર બીજા દિવસના થાક પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ લાંબા ગાળે તે વિચારવાની ક્ષમતા, મનોદશા અને માનસિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે.

ઊંઘ સુધારવા માટે તબીબી ટિપ્સ: રોજ રાત્રે સૂવાનો અને સવારે જાગવાનો એક ચોક્કસ સમય નક્કી કરો. સૂવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલાં મોબાઈલ, લેપટોપ કે ટીવી જેવા ડિજિટલ સ્ક્રીનથી સંપૂર્ણ અંતર જાળવો. સાંજ પછી કે રાત્રિના સમયે ચા-કોફી જેવા કેફીનયુક્ત પીણાંનું સેવન ટાળો. જો પૂરતો સમય સૂવા છતાં સવારે માથાનો દુખાવો અને આખો દિવસ ઊંઘ આવવાની સમસ્યા ચાલુ રહે, તો ઘરગથ્થુ ઉપચારને બદલે યોગ્ય ન્યુરોલોજિસ્ટ અથવા સ્લીપ સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી હિતાવહ છે.

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.