
છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોન ખૂબ જ અદ્યતન બની ગયા છે. હવે AIના સાથે ફોન વધુ સ્માર્ટ બની રહ્યા છે. જે તેમને વાપરવા માટે અતિ સરળ બનાવે છે.

એન્ડ્રોઇડ હોય કે આઇફોન આજકાલ દરેક સ્માર્ટફોનમાં ઇન બિલ્ટ સિક્યુરિટી ફીચર્સ હોય છે. આ ફીચર્સ ડેટા ચોરી, માલવેર હુમલા અને હેકિંગથી ફોનને બચાવે છે. સાથે જ ફોન ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય ત્યારે પણ તમારો વ્યક્તિગત ડેટા સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

આમાં ડિવાઇસ પ્રોટેક્શન, ફાઇન્ડ માય ડિવાઇસ અને ગૂગલ પ્લે પ્રોટેક્ટ જેવા ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવેલો હોય છે. આ ફીચર્સને ક્યારેય ડિસેબલ ન કરવા જોઈએ. જો તમે તેને ડિસેબલ કરો છો તો હેકર્સ માટે તમારા ડેટા અને વ્યક્તિગત માહિતી સુધી પહોંચવું સરળ બની શકે છે.

ફોનમાં ઉપલબ્ધ બેટરી ઓપ્ટિમાઇઝેશન અથવા બેટરી પ્રોટેક્શન જેવા ફીચર્સને પણ બંધ કરવાથી બચવું જોઈએ. બેટરી સ્માર્ટફોનનો એવો ભાગ છે, જે સમય જતાં સૌથી પહેલા ખરાબ થવાનું શરૂ કરે છે. બેટરીની ક્ષમતા ઘટી જાય પછી ફોનને વારંવાર ચાર્જ કરવો પડે છે.

બેટરી ઓપ્ટિમાઇઝેશન ફીચર બેટરીને ઓવરચાર્જ થવાથી બચાવે છે અને ફોનની જરૂરિયાત મુજબ પાવર મેનેજ કરે છે. તેના કારણે બેટરી લાંબા સમય સુધી સારી સ્થિતિમાં રહે છે અને ફોનનું પરફોર્મન્સ પણ સુધરે છે.

ઓછી ગુણવત્તાવાળા એક્સેસરીઝનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. જો તમે આવનારા વર્ષો સુધી તમારા ફોનને નવો દેખાડવા માંગતા હો, તો નકલી અને ઓછી ગુણવત્તાવાળા એક્સેસરીઝનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

નબળી ગુણવત્તાવાળા ચાર્જર, કેબલ્સ અને અન્ય એક્સેસરીઝ નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. જેનાથી તમારો ફોન ઝડપથી ખરાબ થઈ શકે છે. નકલી ચાર્જર અને કેબલ્સ પણ તમારા ફોનની બેટરીને ઝડપથી નુકસાન પહોંચાડી શકે છે. તેથી, હંમેશા અસલી ચાર્જર અને કેબલ્સનો ઉપયોગ કરવું મહત્વપુર્ણ છે.