
રસોડામાં એવા ઘણા સાધન હોય છે કે, જે કામને સરળ બનાવવાનું કામ કરે છે. આમાંનું જ એક 'મિક્સર-ગ્રાઇન્ડર' છે. આ એક એવું ગેજેટ છે કે, જે રોજિંદા કેટલાય કામો મિનિટોમાં સરળ કરી દે છે. મસાલા પીસવાના હોય, ચટણી તૈયાર કરવાની હોય કે પછી શેક અને સ્મૂધી બનાવવાની હોય, મિક્સર ગ્રાઇન્ડર દરેક કામમાં મદદ કરે છે. જો કે, ઘણીવાર તેનો સતત ઉપયોગ થવાને કારણે તેના બ્લેડની ધાર ઓછી થઈ જાય છે અને તે કંઈપણ સરખી રીતે પીસી શકતું નથી. ઘણા લોકો માટે મિક્સરના જારના બ્લેડનું સરખી રીતે કામ ન કરવું એ મોટો માથાનો દુખાવો બની જાય છે.

જો તમારું મિક્સર પણ વસ્તુઓને બારીક પીસી શકતું નથી અથવા મસાલા બરાબર પીસાતા નથી, તો તરત જ નવો જાર ખરીદવાની કે તેને ઠીક કરવા માટે કોઈ ઈલેક્ટ્રિશિયનને બોલાવવાની જરૂર નથી. કેટલીક સરળ ઘરેલું વસ્તુઓના ઉપયોગથી તમે જાતે જ ઘરે બેઠા મિક્સરના બ્લેડની ધારને ફરીથી તલવાર જેવી તેજ બનાવી શકો છો.

મિક્સરની ધારને તેજ કરવા માટે તમે જે એક વસ્તુનો ઉપયોગ કરી શકો છો, તે ઈંડાના છોતરા છે. હા, જે ઈંડાના છોતરાને તમે કચરો સમજીને ડસ્ટબિનમાં ફેંકી દો છો, તે મિક્સરને ઠીક કરવામાં કામ આવી શકે છે. આના માટે છોતરાને સારી રીતે ધોઈને સૂકવી લો. ત્યારબાદ તેને મિક્સર જારમાં નાખીને થોડી સેકન્ડ માટે ચલાવી લો. છોતરાનું ટેક્સચર ખરબચડું હોય છે, જે બ્લેડ પર જામેલી ગંદકી અને નાના કણોને હટાવવામાં મદદ કરી શકે છે. આનાથી બ્લેડની કામ કરવાની ક્ષમતા વધુ સારી થઈ શકે છે.

જાડા દાણાવાળું મીઠું અથવા સિંધવ મીઠું પણ મિક્સર બ્લેડની ધારને તેજ કરવા માટે વાપરી શકાય છે. આના માટે જારમાં એક ચમચી મોટું મીઠું નાખો અને થોડી સેકન્ડ માટે મિક્સર ચલાવો. મીઠાના દાણા બ્લેડની આસપાસ જામેલી ગંદકીને હટાવવામાં મદદ કરે છે, જેનાથી મિક્સર પહેલાંની સરખામણીમાં વધુ સારી રીતે કામ કરી શકે છે.

ડ્રિંક્સને ઠંડુ કરવા માટે ઉપયોગમાં લેવાતો ફ્રીઝરમાં રાખેલો બરફ પણ મિક્સરની સંભાળમાં મદદરૂપ થઈ શકે છે. આના માટે 3-4 બરફના ટુકડા જારમાં નાખીને થોડી સેકન્ડ માટે બ્લેન્ડ કરો. બરફના કારણે બ્લેડ પર ચોંટેલા નાના-નાના કણો હટી શકે છે અને બ્લેડ સાફ થઈ શકે છે. આનાથી મિક્સરના પરફોર્મન્સમાં સુધારો થઈ શકે છે.

મિક્સર બ્લેડની સફાઈ માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ પણ કરી શકાય છે. આના માટે ફોઇલનો નાનો ટુકડો લઈને તેનો દડો (બોલ) બનાવી લો અને તેને જારમાં નાખીને થોડી સેકન્ડ માટે મિક્સર ચલાવો. ફોઇલનો હળવો ઘસારો બ્લેડ પર જામેલી ગંદકી હટાવવામાં મદદ કરી શકે છે અને બ્લેડની ધારને તેજ કરીને પરફોર્મન્સને સારું બનાવી શકે છે.

જો બ્લેડ પર તેલ કે ખાવાના નાના-નાના કણો જામી ગયા હોય, તો બેકિંગ સોડા તમારા કામનો સાબિત થઈ શકે છે. આના માટે બેકિંગ સોડામાં થોડું પાણી મેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને બ્રશની મદદથી બ્લેડ પર લગાવો અને થોડીવાર પછી સાફ કરી દો. આનાથી બ્લેડની આસપાસ જામેલી ગંદકી સરળતાથી નીકળી શકે છે.