
બે દિવસના સૌથી મોટા વેચાણ બાદ મંગળવારે સોના અને ચાંદીમાં જોરદાર વાપસી જોવા મળી હતી. સોનું વર્ષ 2008 પછીના સૌથી મોટા એક દિવસીય ઉછાળા તરફ આગળ વધતું જણાયું હતું, જ્યારે ચાંદીમાં અંદાજે 9% નો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. બજારમાં અચાનક આવેલી આ તેજી એટલા માટે પણ ચોંકાવનારી છે, કારણ કે ગયા અઠવાડિયે જ ચાંદીમાં રેકોર્ડ બ્રેક ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારો હવે એ જાણવા માંગે છે કે, આખરે એવું તો શું બદલાયું? શું આવનારા મહિનાઓમાં ફરી નવા રેકોર્ડ સર્જાઈ શકે છે.

મંગળવારે કિંમતી ધાતુઓમાં જોરદાર તેજી જોવા મળી હતી. સ્પોટ ગોલ્ડ 5.5% ઉછળીને 4,921.42 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયું હતું. આ તેજી એવા સમયે આવી છે, જ્યારે સોમવારે સોનું 4,403.24 ડોલર પ્રતિ ઔંસના નીચલા સ્તરે સરકી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે જ સોનાએ 5,594.82 ડોલર પ્રતિ ઔંસની ઐતિહાસિક ઊંચી સપાટીને સ્પર્શ કર્યો હતો. એપ્રિલ ડિલિવરીવાળા અમેરિકન ગોલ્ડ ફ્યુચર્સ પણ 6.3% ના ઉછાળા સાથે 4,945.60 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયા હતા. ટૂંકમાં સ્પોટ અને ફ્યુચર્સ બંને બજારમાં ખરીદી એકસાથે પાછી ફરી છે.

ચાંદીની વાત કરીએ તો, તેમાં ઉછાળો સોના કરતાં પણ વધુ ઝડપી રહ્યો હતો. મંગળવારે ચાંદી 9.2% ઉછળીને 86.7 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગઈ હતી. આ અગાઉ શુક્રવારે ચાંદીમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 27% નો ઘટાડો નોંધાયો હતો અને ત્યારબાદ સોમવારે તેમાં વધુ 6% ની નબળાઈ આવી હતી. સતત બે દિવસના આ ભારે કડાકા બાદ નીચા ભાવનો લાભ લેવા રોકાણકારોએ મંગળવારે જંગી ખરીદી કરી હતી.

બજારના જાણકારોના મતે, આ તેજીનું સૌથી મોટું કારણ એ છે કે, કિંમતી ધાતુઓનું બજાર જરૂરિયાત કરતાં વધુ વેચાઈ (Overbought) ચૂક્યું હતું. કોમોડિટી રિસર્ચ એનાલિસ્ટ પીટર ફર્ટિગનું કહેવું છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ બજારમાં તીવ્ર નકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી હતી, જેમાં તેમણે કેવિન વોર્શને (Kevin Warsh) આગામી ફેડ ચેરમેન તરીકે નિયુક્ત કરવાની વાત કરી હતી.

તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે, આ સમાચાર પછી સોના-ચાંદી 'ઓવરસોલ્ડ ઝોન' (જરૂરિયાત કરતાં વધુ વેચાણ) માં જતા રહ્યા હતા અને મંગળવારની તેજી તે જ સ્થિતિનું 'રિબાઉન્ડ' (ફરી ઉછાળો) છે. ફર્ટિગના જણાવ્યા મુજબ, જે રોકાણકારોએ અગાઉ નફો બુક કરવા માટે વેચાણ કર્યું હતું, હવે તે જ રોકાણકારો વર્તમાન ભાવને ફરીથી ખરીદી કરવા માટે આકર્ષક માની રહ્યા છે.

બજારનું એવું પણ માનવું છે કે, જો કેવિન વોર્શ ભવિષ્યમાં ફેડરલ રિઝર્વ (Federal Reserve) ની કમાન સંભાળશે, તો તેઓ વ્યાજ દરોમાં કાપ મૂકવાની તરફેણમાં હોઈ શકે છે. એવામાં રોકાણકારોને એવી પણ અપેક્ષા છે કે, તેઓ ફેડની બેલેન્સ શીટને વધુ કડક (Tough) બનાવશે. સામાન્ય રીતે બેલેન્સ શીટ ટાઈટ કરવાથી ડોલરને ટેકો મળે છે અને મજબૂત ડોલર સોના માટે ટૂંકાગાળામાં દબાણ ઊભું કરતું પરિબળ માનવામાં આવે છે.

આ દરમિયાન એક બીજું મોટું પરિબળ સામે આવ્યું છે. CME ગ્રુપે કિંમતી ધાતુઓના ફ્યુચર્સ પર માર્જિનની મર્યાદા (Margin Requirement) વધારી દીધી છે. માર્જિન વધવાનો અર્થ એ છે કે, ટ્રેડર્સે હવે વેપાર માટે પહેલા કરતા વધુ રકમ બ્લોક કરવી પડશે. સામાન્ય રીતે આવા નિર્ણયથી ટૂંકાગાળામાં કિંમતો પર દબાણ આવી શકે છે. આમ છતાંય, મંગળવારે સોના અને ચાંદીમાં જોવા મળેલો મોટો ઉછાળો એ દર્શાવે છે કે, ખરીદદારોનો ભરોસો હજુ પણ અકબંધ છે.

આગામી સ્તરોની વાત કરીએ તો, સેક્સો બેંક (Saxo Bank) ના કોમોડિટી સ્ટ્રેટેજી હેડ ઓલે હેન્સન (Ole Hansen) ના જણાવ્યા અનુસાર, સોનાએ 4,858 ડોલરનું પ્રથમ મહત્વનું 'રિટ્રેસમેન્ટ લેવલ' પાર કરી લીધું છે. હવે બજારની નજર 5,000 ડોલરના સ્તર પર છે, જે તાજેતરના ઘટાડાનું 50% રિટ્રેસમેન્ટ માનવામાં આવે છે. ચાંદી માટે પણ આગામી મહત્વનો ઝોન ઉપરની તરફ સરક્યો છે. વિશ્લેષણ મુજબ, ચાંદી માટે આગામી મોટું સ્તર 90.58 ડોલર અને ત્યારબાદ 96.52 ડોલર પર જોવામાં આવી રહ્યું છે.

આ તમામ ઉતાર-ચઢાવ વચ્ચે એક બીજા મહત્વના સમાચાર એ છે કે, યુએસ બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ (US Bureau of Labor Statistics) એ જણાવ્યું છે કે, જાન્યુઆરી મહિનાનો અત્યંત મહત્વનો રોજગાર ડેટા (Employment Data) આ શુક્રવારે જાહેર કરવામાં આવશે નહીં. સરકારી કામકાજમાં આંશિક અવરોધ (શટડાઉન) ને કારણે આ રિપોર્ટ મોકૂફ રાખવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ ડેટા "ડોલર, બોન્ડ યીલ્ડ અને સોના" આ ત્રણેયની દિશા નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવે છે.

કુલ મળીને મંગળવારની આ તેજી દર્શાવે છે કે, ગોલ્ડ અને સિલ્વરની હાલની રેલી કદાચ તણાવમાં આવેલી વેચાણ પછીની (Panic Selling) સામાન્ય રિકવરી પણ હોઈ શકે છે. બીજીબાજુ વિશ્લેષકો હજુ પણ માને છે કે, સોનાનો 'બુલ રન' (તેજીનો તબક્કો) હજુ પૂરો થયો નથી. જો વૈશ્વિક અનિશ્ચિતતા યથાવત રહેશે અને નાણાકીય નીતિ અંગેના સંકેતો નરમ રહેશે, તો આગામી મહિનાઓમાં સોના-ચાંદી ફરીથી નવા રેકોર્ડ તરફ આગળ વધતા જોવા મળી શકે છે.