
વજન ઘટાડવા માટે માત્ર જીમમાં કલાકો સુધી પરસેવો પાડવો પૂરતો નથી, પરંતુ તેની સાથે સાચી ડાયેટ લેવી પણ એટલી જ જરૂરી છે. સવારનો નાસ્તો આખા દિવસ દરમિયાન શરીરને ઉર્જા આપવા માટે સૌથી મહત્વનો ભાગ ભજવે છે. જે લોકો વજન ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને હંમેશા એ મૂંઝવણ રહે છે કે સવારે એવું શું ખાવું જે ટેસ્ટી પણ હોય, હેલ્ધી પણ હોય અને પેટ ભરીને ખાવા છતાં વજન ન વધે.

સામાન્ય રીતે ડાયેટિંગમાં મખાના અને સીંગદાણા (મગફળી) ને બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ બંનેમાંથી કોઈ એક વસ્તુ વજન ઘટાડવાની બાબતમાં બીજી વસ્તુ કરતાં ઘણી વધુ પાવરફૂલ છે? આવો જાણીએ આ બંને વચ્ચેની સરખામણી અને સેવન કરવાની સાચી રીત.

સીંગદાણાનું ગણિત: પ્રોટીનથી ભરપૂર પણ એક નાની મુશ્કેલી, યુએસડીએ (USDA) ના ડેટા અનુસાર, 50 ગ્રામ સીંગદાણામાં આશરે 280 જેટલી કેલરી હોય છે. જ્યારે 100 ગ્રામ સીંગદાણાની વાત કરીએ તો તેમાં 567 કેલરી, 25.8 ગ્રામ પ્રોટીન અને 8.5 ગ્રામ ફાઈબર જોવા મળે છે. તેમાં રહેલું ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વારંવાર ભૂખ લાગવા દેતું નથી. પ્રોટીનની બાબતમાં સીંગદાણા ઘણા આગળ છે, પણ વજન ઘટાડનારા લોકો માટે તેની હાઈ-કેલરી થોડી ચિંતાજનક બની શકે છે.

મખાનાનો જાદુ: ઓછી કેલરી સાથે અદભુત પોષણ, બીજી તરફ, 50 ગ્રામ મખાનામાં માત્ર 170 કેલરી જ હોય છે. જો 100 ગ્રામ મખાનાની સરખામણી કરીએ તો તેમાં 347 થી 356 કેલરી અને આશરે 10 ગ્રામ પ્રોટીન હોય છે. આ ઉપરાંત મખાના વિટામિન એ, મેગ્નેશિયમ, આયર્ન અને ફાઈબર જેવા જરૂરી મિનરલ્સથી ભરપૂર હોય છે. તે પેટને હલકું રાખે છે અને શરીરને અંદરથી મજબૂતી આપે છે.

વજન ઘટાડવા માટે બંનેમાંથી કયું છે સૌથી બેસ્ટ?, અહીં સૌથી મોટો સસ્પેન્સ એ છે કે ભલે સીંગદાણામાં મખાના કરતાં પ્રોટીનનું પ્રમાણ વધુ છે, પરંતુ કેલરીની બાબતમાં મખાના ખૂબ જ હલકા છે. 100 ગ્રામ સીંગદાણાની 567 કેલરી સામે 100 ગ્રામ મખાનામાં માત્ર 356 કેલરી જ હોય છે. આથી, જો તમારો મુખ્ય ટાર્ગેટ ઝડપથી વજન ઉતારવાનો અને કેલરી કંટ્રોલ કરવાનો છે, તો નાસ્તામાં સીંગદાણા કરતાં મખાના ખાવા વધુ ફાયદાકારક સાબિત થાય છે.

ડાયેટમાં સામેલ કરવાની 2 ખાસ અને ટેસ્ટી રીતો, જો તમે આ બંનેનો લાભ એકસાથે લેવા માંગતા હોવ, તો આ આસાન રેસિપી ટ્રાય કરી શકો છો:

મખાના-સીંગદાણા હેલ્ધી ભેલ: દોઢ કપ મખાના અને એક મોટી ચમચી સીંગદાણાને 5 મિનિટ સુધી તેલ કે ઘી વગર ડ્રાય રોસ્ટ (શેકી) કરી લો. હવે તેમાં અડધો કપ કાપેલા કાકડી-ટમેટા, પા કપ દાડમના દાણા, એક ચમચી લીંબુનો રસ, ચાટ મસાલો અને સંચળ ઉમેરીને મિક્સ કરો. આ સ્વાદિષ્ટ નાસ્તો તમને 150 થી પણ ઓછી કેલરીમાં ભરપૂર પ્રોટીન અને ફાઈબર આપશે.

રોસ્ટેડ મખાના-નટ્સ મિક્સ: બે કપ મખાના, અડધો કપ મિક્સ નટ્સ (સીંગદાણા અને બદામ) અને થોડા મીઠા લીમડાના પાનને એક નાની ચમચી દેશી ઘી નાખીને કડાઈમાં શેકી લો. ઉપરથી સ્વાદ અનુસાર ચાટ મસાલો, સંચળ અને મરચું પાવડર ભભરાવો. આ મિશ્રણ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા અને શરીરને લાંબા સમય સુધી એનર્જેટિક રાખવા માટે બેસ્ટ છે. રોજ સવારે કે સાંજના નાસ્તામાં પા કપ જેટલું આ મિશ્રણ લઈ શકાય છે.