
OTP માટે રાહ જોવી પડશે : TRAI દ્વારા કોમર્શિયલ મેસેજ અને OTP સંબંધિત ટ્રેસેબિલિટી નિયમો લાગુ કરવા માટે લેવામાં આવેલ નિર્ણય, અગાઉ ટેલિકોમ કંપનીઓએ તેને 31મી ઓક્ટોબર સુધીમાં લાગુ કરવાની હતી, પરંતુ ઘણી કંપનીઓની માંગ બાદ તેની સમયમર્યાદા વધારીને 30મી નવેમ્બર કરવામાં આવી હતી. ટેલિકોમ કંપનીઓ ટ્રાઈના આ નિયમને 1 ડિસેમ્બરથી લાગુ કરી શકે છે. આ નિયમ બદલવાનો હેતુ એ છે કે ટેલિકોમ કંપનીઓ દ્વારા મોકલવામાં આવતા તમામ મેસેજો શોધી શકાય છે, જેથી ફિશિંગ અને સ્પમના મામલાઓને રોકી શકાય. નવા નિયમોને કારણે ગ્રાહકોને OTP ડિલિવરીમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે.

બેંકો 17 દિવસ સુધી બંધ રહેશે : RBIએ ડિસેમ્બરની બેંક રજાઓની યાદી જાહેર કરી છે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર ડિસેમ્બરમાં કુલ 17 દિવસની બેંક રજાઓ રહેશે. આ સમય દરમિયાન, જો આપણે RBIની બેંક રજાઓની સૂચિ પર નજર કરીએ તો, આ બેંક રજાઓ વિવિધ રાજ્યોમાં વિવિધ તહેવારો અને કાર્યક્રમોના આધારે નક્કી કરવામાં આવી છે. જેમાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે. તમે રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ પર આ બેંક રજાઓની સૂચિ જોઈ શકો છો.

જો UAN એક્ટિવેટ ન હોય તો : ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે કંપનીઓ માટે તેમના નવા કર્મચારીઓના આધાર સાથે જોડાયેલા UANને સક્રિય કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર નક્કી કરી છે. UAN સક્રિય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તમે PF, પેન્શન, વીમો અને સૌથી અગત્યનું, એમ્પ્લોયમેન્ટ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ELI) જેવી EPFO સુવિધાઓનો લાભ મેળવી શકો. આ માટે તમારે તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક કરવું પડશે. આજે જ કરો આ કામ, નહીં તો નહીં મળે આ યોજનાનો લાભ.