
મોટાભાગના લોકો ક્યારેક ને ક્યારેક એવી પરિસ્થિતિનો સામનો કરે છે જ્યાં તેમનું લેપટોપ સૌથી મહત્વના સમયે ધીમું પડી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? યુઝર્સ અજાણતા જ એવી કેટલીક ભૂલો કરે છે જે સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. ચાલો સમજીએ એ 5 મુખ્ય કારણો અને તેને ઠીક કરવાની રીતો,

ચાર્જિંગની ખોટી આદતો: લેપટોપને ચોવીસ કલાક ચાર્જિંગમાં પ્લગ કરી રાખવું, બેટરી આખી ઝીરો ટકા થઈ જાય ત્યાં સુધી વાપરવી અથવા લોકલ ચાર્જરનો ઉપયોગ કરવો બેટરી લાઈફને ઝડપથી ઘટાડે છે. ઓવરચાર્જિંગથી લેપટોપમાં ગરમી પેદા થાય છે જે CPU અને GPU ની સ્પીડ ધીમી પાડે છે. ઉપાય: બેટરીને હંમેશા 20 થી 80 ટકાની વચ્ચે જ ચાર્જ રાખો અને માત્ર ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરો.

રેમ (RAM) અપગ્રેડ ન કરવી: રેમ એ લેપટોપની શોર્ટ-ટર્મ મેમરી છે. જ્યારે આ મેમરી ભરાઈ જાય છે ત્યારે વિન્ડોઝ ડેટાને હાર્ડ ડ્રાઈવ પર ટ્રાન્સફર કરે છે, જે ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. આજના આધુનિક બ્રાઉઝર્સ અને ગેમ્સ ઘણી વધારે જીબી રેમ વાપરે છે. જો તમારા લેપટોપમાં 8 જીબીથી ઓછી રેમ હશે તો મલ્ટીટાસ્કિંગ વખતે તે ચોક્કસ હેંગ થશે. ઉપાય: જો કામ કરતી વખતે સિસ્ટમ વારંવાર સ્લો થતી હોય, તો રેમ અપગ્રેડ કરાવી લેવી હિતાવહ છે.

સ્ટોરેજ ડ્રાઈવ ફૂલ થઈ જવી: જો લેપટોપની મેમરી આખી ભરાઈ જાય તો તેની સ્પીડ પર સીધી અસર થાય છે. ખાસ કરીને SSD (સોલિડ સ્ટેટ ડ્રાઈવ) ને ઝડપી રીડ અને રાઈટ સ્પીડ જાળવી રાખવા માટે તેના કુલ સ્ટોરેજના 10 થી 20 ટકા ભાગ ખાલી રાખવો જરૂરી હોય છે. જૂની HDD (હાર્ડ ડિસ્ક) માં આ સમસ્યા નથી નડતી, પરંતુ તે ખૂબ ધીમી હોય છે. ઉપાય: નકામી મોટી ફાઈલો કે વીડિયો ડીલીટ કરો, ડિસ્ક ક્લીનઅપ રન કરો અને જો શક્ય હોય તો HDD ના બદલે SSD ડ્રાઈવ લગાવો. તેનાથી બૂટિંગ ટાઈમ અને ફાઈલ ટ્રાન્સફર ખૂબ ફાસ્ટ થઈ જશે.

વાયરસ અને બ્લોટવેરની હાજરી: કોઈ અજાણી વેબસાઈટ ખોલવાથી, શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરવાથી કે પાઇરેટેડ કન્ટેન્ટ ડાઉનલોડ કરવાથી સિસ્ટમમાં વાયરસ આવી જાય છે. આ વાયરસ બેકગ્રાઉન્ડમાં પ્રોસેસ ચલાવીને સીપીયુ અને મેમરીનો વપરાશ ચાલુ રાખે છે. આ સિવાય લેપટોપ ખરીદતી વખતે સાથે આવતી ટ્રાયલ એપ્સ પણ સ્પીડ ઘટાડે છે. ઉપાય: કમ્પ્યુટરમાં એકવાર ફૂલ એન્ટીવાયરસ સ્કેન કરો અને જે સોફ્ટવેર બિનજરૂરી હોય તેને સિસ્ટમમાંથી તાત્કાલિક અનઇન્સ્ટોલ કરી દો.

ઓવરહીટિંગ: ભારે કામ દરમિયાન લેપટોપ થોડું ગરમ થાય તે સામાન્ય છે, પરંતુ જો તે સતત ગરમ જ રહેતું હોય તો અંદરના નાજુક ભાગોને નુકસાનથી બચાવવા માટે સિસ્ટમ પોતાની સ્પીડ જાતે જ ઘટાડી દે છે. અંદરના પંખામાં ધૂળ જામી જવી કે થર્મલ પેસ્ટ સુકાઈ જવી તેનું મુખ્ય કારણ હોઈ શકે છે. ઉપાય: લેપટોપને ક્યારેય ગાદલા, બ્લેન્કેટ કે તકિયા પર રાખીને ન વાપરો, કારણ કે તેનાથી હવા આવવા-જવાના વેન્ટ્સ બંધ થઈ જાય છે. પંખા સાફ રાખો અને જરૂર પડે તો સસ્તા કૂલિંગ પેડનો ઉપયોગ કરો.

મોટાભાગના કિસ્સાઓમાં લેપટોપ બદલવાની જરૂર હોતી નથી. થોડી ડિજિટલ સાફ-સફાઈ, બેકગ્રાઉન્ડ એપ્સ પર કંટ્રોલ અને જરૂર જણાયે થોડું હાર્ડવેર અપગ્રેડ કરવાથી જૂનું લેપટોપ પણ બિલકુલ નવું જેવું કામ કરવા લાગશે. (All Image Credit: AI)