
ભારત સરકાર વિદેશી તેલ કંપનીઓને ચુકવણી કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસે જમા વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserves) નો ઉપયોગ કરે છે. આ નાણાં મુખ્યત્વે ડોલરમાં હોય છે પરંતુ હવે 'ભારત' રશિયા અને UAE જેવા દેશોને ભારતીય રૂપિયા (INR) માં પણ ચુકવણી કરી રહ્યું છે.

આ બાબત એ વાત પર નિર્ભર કરે છે કે, સોદો FOB (Free on Board) છે કે પછી CIF (Cost, Insurance, and Freight)? સામાન્ય રીતે, મરીન ઇન્શ્યોરન્સ (દરિયાઈ વીમો) આ નુકસાનને કવર કરે છે. જો જહાજ ભારતનું હોય અથવા જોખમ ભારતે ઉઠાવ્યું હોય, તો ભારતીય વીમા કંપનીઓ વળતર આપે છે અન્યથા વેચનાર કંપનીની જવાબદારી હોય છે.

સામાન્ય રીતે વિદેશી કંપનીઓ માત્ર સપ્લાયની ગેરંટી આપે છે. તેમાં ડિલિવરીની સુરક્ષાની ગેરંટી હોતી નથી. તેલના કોન્ટ્રાક્ટમાં 'ફોર્સ મેજ્યોર' (Force Majeure) ક્લોઝ હોય છે. આનો અર્થ છે કે, યુદ્ધ કે કુદરતી આફતની સ્થિતિમાં કંપની સપ્લાય રોકવા માટે જવાબદાર રહેશે નહીં. આથી જ ભારત પોતાની નૌસેના દ્વારા સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

કાચા તેલનું પરિવહન જોખમી હોય છે, તેથી જહાજોનો મોટો વીમો લેવામાં આવે છે. અવારનવાર પશ્ચિમી દેશો વીમા કંપનીઓ દ્વારા તેલના વેપારને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. ભારત હવે પોતાની 'રી-ઇન્શ્યોરન્સ' કંપનીઓ ઊભી કરી રહ્યું છે, જેથી આપણે આત્મનિર્ભર બની શકીએ. વૈશ્વિક સ્તરે તેલનો વેપાર પેટ્રો-ડોલરમાં થાય છે પરંતુ ભારત હવે પોતાની કૂટનીતિ (Diplomacy) દ્વારા તેને બદલી રહ્યું છે. રૂપિયામાં પેમેન્ટ કરવાથી ભારતના વિદેશી મુદ્રા ભંડાર પરનું દબાણ ઘટે છે અને અમેરિકન પ્રતિબંધો જેવી સ્થિતિમાં પણ આપણો વેપાર અટકતો નથી.

ભારત સરકાર અવારનવાર ખાનગી કંપનીઓને બદલે સીધા બીજા દેશની સરકાર (જેમ કે ઇરાક, રશિયા કે સાઉદી અરેબિયા) સાથે કરાર કરે છે. આનાથી વચેટિયાઓનું કમિશન બચે છે અને બે દેશ વચ્ચેના સારા સંબંધો તેલના પુરવઠાને સુરક્ષા પૂરી પાડે છે. લાલ સમુદ્ર (Red Sea) કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા ખતરનાક રસ્તાઓ પરથી તેલ લાવવા માટે ભારત 'મિશન બેઝ્ડ ડિપ્લોયમેન્ટ' (Mission Based Deployment) કરે છે. ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજો આપણા ઓઈલ ટેન્કરોની સાથે ચાલે છે, જેથી કોઈ વિદેશી તાકાત કે આતંકવાદી સંગઠન આપણા ઈંધણને રોકી ન શકે.

ઓઈલ ડિપ્લોમસી (તેલ કૂટનીતિ) નો અર્થ છે, ઊર્જા માટે બીજા દેશો સાથે વ્યૂહાત્મક ગઠબંધન કરવું. આમાં સસ્તા તેલ માટે વાટાઘાટો, કટોકટીના સમયે અવિરત પુરવઠાની ખાતરી મેળવવા અને બીજા દેશોમાં સ્થિત તેલ ક્ષેત્રોમાં હિસ્સો ખરીદવાનો સમાવેશ થાય છે. તે ભારતની ઊર્જા સુરક્ષાને વૈશ્વિક રાજકારણના ક્ષેત્ર સાથે જોડે છે.

તેલ કૂટનીતિનો એક ભાગ 'પ્રાઈસ ડિસ્કાઉન્ટ' મેળવવાનો પણ છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ ઉપભોક્તા દેશ છે, તેથી આપણે આ તાકાતનો ઉપયોગ કરીને ઉત્પાદક દેશો પાસેથી સસ્તા દરે તેલ ખરીદીએ છીએ. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતે આ જ રણનીતિથી અબજો રૂપિયા બચાવ્યા હતા.

'ફોર્સ મેજ્યોર' ક્લોઝ, તેલના કોન્ટ્રાક્ટમાં આ શબ્દ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભવિષ્યમાં ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ ફાટી નીકળે અને તેલ કંપનીઓ તેલ ન મોકલી શકે, તો તેઓ આ ક્લોઝનો સહારો લઈને કાયદેસરની કાર્યવાહીથી બચી જાય છે. ભારત આ જ જોખમને ઓછું કરવા માટે અનેક દેશો સાથે અલગ-અલગ કરાર કરે છે.