
ભારતીય રેલવેએ મુસાફરો માટે મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર કર્યો છે. જાન્યુઆરી 2026થી અમૃત ભારત II એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પત્ર મુજબ, આ નવી ટ્રેનો માટે ભાડાનું માળખું અને બુકિંગ નિયમો અગાઉની અમૃત ભારત ટ્રેનો કરતાં અલગ રહેશે. જોકે મૂળભૂત ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ લઘુત્તમ અંતરના નવા નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે.

નવા નિયમ મુજબ, સ્લીપર ક્લાસ માટે લઘુત્તમ ભાડું 200 કિમી નક્કી કરવામાં આવ્યું છે, જે ₹149 થાય છે. એટલે કે જો મુસાફર માત્ર 100 કિમીની મુસાફરી કરે તો પણ તેને 200 કિમીનું લઘુત્તમ ભાડું ચૂકવવું પડશે. તે જ રીતે, સેકન્ડ ક્લાસ માટે લઘુત્તમ અંતર 50 કિમી નક્કી કરવામાં આવ્યું છે, જેનું ભાડું ₹36 રહેશે. આ ભાડા ઉપરાંત રિઝર્વેશન ચાર્જ અને સુપરફાસ્ટ સરચાર્જ અલગથી લાગુ થશે.

અમૃત ભારત II એક્સપ્રેસના સ્લીપર ક્લાસમાં RAC (Reservation Against Cancellation)ની સુવિધા સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. હવે આ ટ્રેનમાં RAC ટિકિટ ઉપલબ્ધ નહીં રહે. એડવાન્સ રિઝર્વેશન સમયગાળાના પ્રથમ દિવસથી જ તમામ બર્થ બુકિંગ માટે ઉપલબ્ધ રહેશે. જો કે અનરિઝર્વ્ડ સેકન્ડ ક્લાસ માટે અગાઉના નિયમો યથાવત રહેશે.

આ ટ્રેનના સ્લીપર ક્લાસમાં હવે ફક્ત ત્રણ જ ક્વોટા લાગુ રહેશે, મહિલા ક્વોટા, અપંગ ક્વોટા અને વરિષ્ઠ નાગરિક ક્વોટા. આ સિવાય અન્ય કોઈપણ ક્વોટા અમલમાં રહેશે નહીં. રેલવે બોર્ડ દ્વારા વરિષ્ઠ નાગરિકો અને બાળકો સાથે મુસાફરી કરનારાઓને સુવિધા મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

સિસ્ટમ આપમેળે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષો અને 45 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓને નીચેની બર્થ ફાળવવાનો પ્રયાસ કરશે. બર્થ ફાળવણી ઉપલબ્ધતા મુજબ કરવામાં આવશે. ઉપરાંત, જો કોઈ મુસાફર એવા બાળક સાથે મુસાફરી કરે છે જેણે અલગ બર્થ બુક કરાવી નથી, તો તેને પણ નીચેની બર્થ આપવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે.

રેલ્વેએ રિફંડ પ્રક્રિયામાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે રદ કરાયેલી ટિકિટ માટે 24 કલાકની અંદર રિફંડ શરૂ કરવામાં આવશે. અનામત ટિકિટ માટે ચુકવણી ફક્ત ડિજિટલ માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. કાઉન્ટર પરથી ટિકિટ ખરીદતી વખતે પણ ડિજિટલ પેમેન્ટને પ્રાધાન્ય આપવામાં આવશે. જો કોઈ સંજોગોમાં ડિજિટલ પેમેન્ટ શક્ય ન હોય, તો સામાન્ય નિયમો અનુસાર રિફંડ આપવામાં આવશે.
Published On - 7:08 pm, Sat, 17 January 26