
જોકે પહેલા આવું નહોતું. મળતી માહિતી મુજબ, શરૂઆતમાં સેનાના શ્વાન અયોગ્ય જણાયા તો તેમને મારી નાખવામાં આવતા હતા. તેના માટે બે મુખ્ય કારણો આપવામાં આવ્યા હતા. સૌપ્રથમ તો સેનાનું માનવું હતું કે ઉચ્ચ સ્તરીય તાલીમ મેળવનાર આ શ્વાન લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. બીજું, પ્રાણી કલ્યાણ સંસ્થાઓ તેમને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં અસમર્થ હતી. પરંતુ આર્મીએ 2015માં આ વલણ બદલી નાખ્યું અને નિવૃત્તિ પછી, આ પ્રશિક્ષિત શ્વાનને એવા લોકોને સોંપવામાં આવ્યા કે જેઓ તેમને ગાર્ડ તરીકે લઈ શકે અથવા કામ કર્યા વિના આખી જિંદગી તેમની સંભાળ રાખી શકે.

સેનાના ડોગ યુનિટમાં સામેલ ડોગ્સનું મુખ્ય કામ માદક દ્રવ્યથી લઈને વિસ્ફોટક પદાર્થ સુધીની દરેક વસ્તુને શોધી કાઢવાનું છે. આ સિવાય તે ઘણા જોખમી મિશનમાં પણ સેનાનો સાથ આપે છે. આર્મીના ડોગ યુનિટમાં સમાવિષ્ટ શ્વાન રક્ષકની ફરજ, પેટ્રોલિંગ, IED વિસ્ફોટકો સુંઘવા, લેન્ડમાઈન શોધવા, ડ્રગ્સને અટકાવવા, ચોક્કસ લક્ષ્યો પર હુમલો કરવા, હિમપ્રપાતના કાટમાળને સ્કેન કરવા અને ભાગેડુઓ સહિત આતંકવાદીઓના છુપાયેલા સ્થળો શોધવા માટે જવાબદાર છે. આ માટે તેને તાલીમ આપવામાં આવે છે. (All Photos - Social Media)