
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ ચાર્જિંગ સ્ટેશન શોધવાની અને અલગ અલગ એપ્સ વાપરવાની મુશ્કેલી હજુ પણ ઘણા EV યુઝર્સ માટે મોટો પડકાર બની રહી છે. હવે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કેન્દ્ર સરકાર એક મહત્વપૂર્ણ પગલું ભરી રહી છે. સરકાર ટૂંક સમયમાં “યુનિફાઇડ ભારત ઇ-ચાર્જ” (UBC) નામનું નવું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહી છે, જે દેશભરમાં EV ચાર્જિંગને વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનાવશે.

નવી UBC એપ્લિકેશન દ્વારા ઇલેક્ટ્રિક વાહન ચાલકોને હવે અલગ અલગ કંપનીઓની એપ્સ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. એક જ પ્લેટફોર્મ પર યુઝર્સ નજીકના ચાર્જિંગ સ્ટેશન શોધી શકશે, ચાર્જિંગ સ્લોટ બુક કરી શકશે, વાહન ચાર્જ કરી શકશે અને ડિજિટલ પેમેન્ટ પણ કરી શકશે. આ સિસ્ટમનો મુખ્ય હેતુ EV ચાર્જિંગનો સમગ્ર અનુભવ વધુ સરળ અને મુશ્કેલીમુક્ત બનાવવાનો છે.

આ મહત્વપૂર્ણ જાહેરાત કેન્દ્રીય ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી H. D. Kumaraswamy દ્વારા બેંગલુરુમાં યોજાયેલી ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી. સરકારના જણાવ્યા મુજબ, UBC એપ એક યુનિફાઇડ પ્લેટફોર્મ તરીકે કામ કરશે, જ્યાં વિવિધ કંપનીઓના ચાર્જર્સ એક જ સિસ્ટમ સાથે જોડાયેલા રહેશે.

હાલમાં EV માલિકોને અલગ અલગ ચાર્જિંગ કંપનીઓ માટે અલગ એપ્સ વાપરવી પડે છે, જેના કારણે સમય અને સુવિધા બંનેમાં મુશ્કેલી ઉભી થાય છે. પરંતુ નવી UBC સિસ્ટમ આવ્યા બાદ, યુઝર્સ એક જ એપ મારફતે વિવિધ કંપનીઓના ચાર્જિંગ સ્ટેશનો ઍક્સેસ કરી શકશે અને સરળતાથી પેમેન્ટ પણ કરી શકશે.

કેન્દ્ર સરકારનું માનવું છે કે આ પ્લેટફોર્મ ભારતમાં ડિજિટલ ચુકવણી ક્ષેત્રમાં UPI જેમ ક્રાંતિ લાવ્યું હતું, તેવી જ રીતે EV ચાર્જિંગ ક્ષેત્રમાં મોટો બદલાવ લાવશે. આથી ચાર્જિંગ ઓપરેટરો વચ્ચે વધુ સારો ઇન્ટિગ્રેશન બનશે અને ગ્રાહકોને એકસરખો અને સરળ અનુભવ મળશે.

ભારે ઉદ્યોગ મંત્રાલય અનુસાર, આ એપ ઉર્જા મંત્રાલય, રાજ્ય સરકારો અને ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ હિસ્સેદારો સાથે મળીને વિકસાવવામાં આવી રહી છે. સરકારનું મુખ્ય લક્ષ્ય દેશમાં ઝડપથી વધી રહેલી ઇલેક્ટ્રિક મોબિલિટીને વધુ મજબૂત બનાવવાનું છે. તેના માટે ડિજિટલ ઇન્ટિગ્રેશન, ચાર્જિંગ સ્ટાન્ડર્ડાઇઝેશન અને પાવર ગ્રીડના વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આગામી વર્ષોમાં ભારતનું EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્રણ મુખ્ય આધાર પર આગળ વધશે. સરળ ઍક્સેસ, ઓછી કિંમત અને વિશ્વસનીય સેવા. સરકાર ઇચ્છે છે કે ચાર્જિંગ નેટવર્ક માત્ર મોટા શહેરો પૂરતું સીમિત ન રહે, પરંતુ નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારો સુધી પણ સરળતાથી પહોંચે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં જાહેર EV ચાર્જિંગ નેટવર્કનો વિસ્તાર પીએમ ઇ-ડ્રાઇવ યોજના હેઠળ ઝડપથી થઈ રહ્યો છે. આ યોજનાનું કુલ બજેટ ₹10,900 કરોડ છે, જેમાંથી ₹2,000 કરોડ ખાસ જાહેર EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે.