
કચરો ઉપાડનારાઓ કચરો ઉપાડીને લઈ જાય છે, આ વાત ખૂબ જ સામાન્ય લાગે છે. હવે આમાં આશ્ચર્યજનક વાત એ છે કે, ભારતમાં આવેલ એક કાફેએ ખાસ પગલું ભર્યું છે. વાત એમ છે કે, ભારતના એક રાજ્યમાં પ્લાસ્ટિકના કચરાના બદલામાં તમને 'ફ્રી'માં જમવાનું મળે છે.

જણાવી દઈએ કે, ભારત સ્થિત આ કાફે 'ગાર્બેજ કાફે' તરીકે પ્રખ્યાત છે. વાસ્તવમાં, આ પહેલ વર્ષ 2019 માં શરૂ કરવામાં આવી હતી. આ કાફેનો ઉદ્દેશ્ય પર્યાવરણને સ્વચ્છ બનાવવાનો અને જરૂરિયાતમંદોને ભોજન પૂરૂં પાડવાનો છે.

આ કાફેમાં એક કિલો (1000 ગ્રામ) પ્લાસ્ટિક આપવા પર એક ફૂલ ડિશ ભોજન આપવામાં આવે છે. આ સિવાય અડધો કિલો (500 ગ્રામ) પ્લાસ્ટિક આપવા પર વડાપાંવ કે સમોસા જેવો નાસ્તો આપવામાં આવે છે.

આ કાફેની અનોખી પહેલથી એકસાથે બે સમસ્યાઓનું નિરાકરણ આવ્યું છે. કાફેના આ પગલાથી પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવતા પ્લાસ્ટિકને સરળતાથી એકત્રિત કરી શકાય છે અને પછી રિસાયક્લિંગ માટે મોકલી શકાય છે. આ ઉપરાંત, કચરાના ઢગલા ઘટાડવામાં મદદ મળી શકે છે અને પર્યાવરણને સ્વચ્છ બનાવી શકાય છે.

બીજું કે, ગરીબીને કારણે ઘણા દિવસો સુધી ભૂખ્યા સૂતા લોકો માટે આ કાફે કોઈ ચમત્કારથી ઓછો નથી. આ 'ગાર્બેજ કાફે' ખરેખર એક નવી વિચારસરણી અને જન કલ્યાણ માટે એક ઉમદા પગલું છે.

ભારત સ્થિત આ 'ગાર્બેજ કાફે' છત્તીસગઢના અંબિકાપુર શહેરમાં આવેલું છે. વાસ્તવમાં, આ પહેલ અંબિકાપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી હતી.