
ટેક્સ વિભાગ વિવિધ રોકડ વ્યવહારો પર નજર રાખે છે, જેમાં મુખ્યત્વે એક વર્ષમાં ₹10 લાખથી વધુની બેંક ડિપોઝિટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ₹1 લાખથી વધુ રોકડમાં ક્રેડિટ કાર્ડ બિલનું ભરેલું હોય, ₹30 લાખ કે તેથી વધુ કિંમતની મિલકતની રોકડમાં ખરીદી અથવા વેચાણ, ₹50,000થી વધુ કિંમતની ગિફ્ટ રોકડમાં લીધી હોય અથવા તો મળી હોય અને ગ્રાહક પાસેથી ₹2 લાખથી વધુની રોકડ લીધેલ હોય તેવા બિઝનેસ ટ્રાન્ઝેકશન પણ ટેક્સ વિભાગની દેખરેખ હેઠળ આવે છે.

જો કોઈ વ્યક્તિ કલમ 269STનું ઉલ્લંઘન કરે છે, તો તેને મળેલી રોકડ જેટલી જ રકમનો દંડ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે ₹2.5 લાખ રોકડમાં સ્વીકાર્યા હોય, તો દંડ પણ આશરે ₹2.5 લાખ જેટલો થશે.

આ નિયમ 'સેલેરીડ હોય કે બિઝનેસમેન' તમામ વ્યક્તિઓને લાગુ પડે છે. ટેક્સ નિષ્ણાતો કહે છે કે, સામાન્ય રોકડ ટ્રાન્ઝેકશન જો લિમિટથી વધુ હોય તો તે પણ ટેક્સ વિભાગની તપાસ હેઠળ આવી શકે છે.

ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ ટાળવા માટે તમારે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. સૌ પ્રથમ તો, બધા મોટા ટ્રાન્ઝેકશન ઓનલાઈન અથવા બેંકિંગ દ્વારા કરવા જોઈએ. બીજું કે, બિલથી લઈને રસીદ સુધી દરેક પેમેન્ટનો રેકોર્ડ રાખવો જરૂરી છે.

વધુમાં, જો ગિફ્ટ આપવામાં કે લેવામાં આવે અથવા લોનને લગતા ટ્રાન્ઝેકશન થાય, તો તે લેખિતમાં રાખો. છેલ્લે, જો કોઈ કારણોસર રોકડ વ્યવહાર કરવો પડે છે, તો સરકારે નક્કી કરેલ રોકડની લિમિટ હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ.