Bhavesh Lashkari | Edited By: Meera Kansagara
May 04, 2024 | 1:58 PM
લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ના માર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટીક વોટર્સ એજ્યૂકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદારોને જાગૃત કરવા હાલ જિલ્લામાં વિવિધ સમૂહ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.
જે અન્વયે સમગ્ર રાજકોટ સંસદીય વિસ્તારમાં સામૂહિક રંગોળી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ‘વોટ ફોર બેટર ઈન્ડિયા', ‘વોટ ફોર નેશન', 'મારો મત મારૂ ભવિષ્ય', 'જાગો મતદાર જાગો' જેવા સ્લોગનો બનાવ્યા હતા.
મતદાન જાગૃતિના વિવિધ સૂત્રોને તથા ઈવીએમ, ચૂંટણી પંચના લોગો વગેરે પ્રતિકોને રંગોળીમાં વણી લઈ અનોખી રીતે મતદાન જાગૃતિ કરવામાં આવી હતી.
જિલ્લાનાં વધુને વધુ નાગરિકો મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા માટે શાળા સહિત વિવિધ સંસ્થાઓએ મતદાર પ્રેરક સ્લોગન સાથે આકર્ષક રંગોળીઓ બનાવી છે અને તેનાથી મતદાન અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
મોવીયા ખાતે મહિલાઓએ મતદાન કરવા લોકો પ્રેરાય, તે માટે જાગૃતિ લાવવા મહેંદી મૂકાવી હતી અને અચૂક મતદાન કરવાના શપથ પણ લીધાં હતાં.
વિદ્યાર્થીઓએ અલગ-અલગ રંગો તેમજ ઈકો-ફ્રેન્ડલી પાંદડામાંથી ડિઝાઈનો બનાવીને લોકોને મતદાન કરવા અંગે પ્રેર્યા હતા.