
તાજેતરમાં જ લિસ્ટેડ થયેલ કંપનીએ તેના શેરધારકોને ખુશખબરી આપી છે. કંપનીએ તાજેતરમાં તેના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર 2025) ના પરિણામો જાહેર કર્યા છે, જેમાં મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. વધુમાં, કંપનીના બોર્ડે દમદાર ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.

કંપનીના બોર્ડે શેર દીઠ 14.85 રૂપિયા ના વચગાળાના ડિવિડન્ડ (Interim Dividend) ની જાહેરાત કરી છે. કંપનીના શેરની ફેસ વેલ્યુ એક રૂપિયા જેટલી છે, જે મુજબ આ ડિવિડન્ડ 1485 ટકા જેટલું થાય છે. આ ડિવિડન્ડ એવા રોકાણકારોને આપવામાં આવશે કે, જેમના નામ રેકોર્ડ ડેટમાં 21 જાન્યુઆરી 2026 ના રોજ કંપનીના રજિસ્ટરમાં હશે.

કંપનીએ જણાવ્યું છે કે, મજબૂત પ્રદર્શનને કારણે તે આ ડિવિડન્ડ આપી રહી છે. ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં (ત્રિમાસિક ગાળામાં) નફો 631.84 કરોડ રૂપિયા હતો, જે હવે 45% વધીને 917.09 કરોડ રૂપિયા થઈ ગયો છે. કંપનીની કામકાજથી થતી આવક (Revenue from Operations) 23.5% વધીને 1,514.67 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ, ખર્ચમાં માત્ર 8.5% નો વધારો થયો છે, જે 404.78 કરોડ રૂપિયા રહ્યો છે.

આ ઉપરાંત, કંપનીની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) માં પણ જબરદસ્ત વધારો થયો છે. ડિસેમ્બર 2025 સુધી મ્યુચ્યુઅલ ફંડનું સરેરાશ AUM 10,763.80 અબજ રૂપિયા રહ્યું હતું, જે ગયા વર્ષે 8,739.58 અબજ રૂપિયા હતું. માર્કેટ શેર (બજાર હિસ્સો) 13.3% પર મજબૂત રીતે જળવાઈ રહ્યો છે. ઇક્વિટી સ્કીમ્સમાં પણ ગ્રોથ સારો રહ્યો છે, જ્યાં AUM 6,081.44 અબજ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

કસ્ટમર બેઝ (ગ્રાહકોની સંખ્યા) પણ વધીને 1.62 કરોડ થઈ ગયો છે, જે પહેલા 1.43 કરોડ હતો. SIP અને માસિક ટ્રાન્ઝેક્શન્સ ડિસેમ્બર 2025માં 50.37 અબજ રૂપિયા સુધી પહોંચી ગયા છે, જે ગયા વર્ષે 42.47 અબજ રૂપિયા હતા. આ દર્શાવે છે કે, લોકો કંપની પર ભરોસો કરી રહ્યા છે અને સતત રોકાણ કરી રહ્યા છે.

માર્કેટ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, મજબૂત પરિણામો અને સારા ડિવિડન્ડને કારણે ICICI પ્રુડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ (ICICI પ્રુડેન્શિયલ AMC) કંપનીના શેરધારકો માટે આ સારા સમાચાર છે. આ કંપની તાજેતરમાં જ શેરબજારમાં લિસ્ટ થઈ છે અને હવે રોકાણકારોને વળતર (રિટર્ન) આપવામાં આગળ વધી રહી છે.